સુરત પાલિકાએ એક વર્ષમાં 2223 નમુના લીધા પણ તેમાંથી એક માત્ર જ સેમ્પલ અનસેફ જાહેર થયો
Surat Corporation : ખાણી-પીણીના શોખીન સુરતીઓને ફૂડ સારી ક્વોલિટીનું મળે તે માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાધ સામગ્રી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં પાલિકાના ફૂડ વિભાગે 2223 ખાધ સામગ્રીના સેમ્પલ લીધા હતા. છેલ્લા ઘણા વખતથી ખાણી-પીણીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી હોવા છતાં પાલિકાના રિપોર્ટમાં એક વર્ષમાં એક જ સેમ્પલ અનસેફ જાહેર થયો તે આશ્ચર્ય જગાડી રહ્યો છે. પાલિકાના ફૂડ વિભાગે કરેલી કામગીરી દરમિયાન 132 સબ સ્ટાન્ડર્ડ અને 48 મિસ બ્રાન્ડ જાહેર થયા પાલિકાના રિપોર્ટ સામે વિપક્ષે નાઈટ ફૂડ બજારમાં કરેલી જનતા રેડના આંકડા વિરોધાભાષી હોવાની ચર્ચા થઈ રહી છે.
સુરતમાં તહેવારની ઉજવણી સુરતીઓ ધામધૂમ પૂર્વક કરે છે અને દરેક તહેવારને સુરતીઓ ખાણીપીણી સાથે જોડી દે. દશેરો, હોય કે ઉત્તરાયણ કે દિવાળી હોય કે જન્માષ્ટમી કે પછી ચંદની પડવો અથવા અન્ય કોઈ પણ તહેવાર હોય સુરતીઓ ખાણીપીણી પર તુટી પડતા હોય છે. તહેવારો દરમિયાન અનેક વેપારીઓ અને સિઝનલ વેપારીઓ મોટી માત્રામાં ખાદ્ય સામગ્રી બનાવતા હોય ભેળસેળ કે અન્ય કોઈ ખામી હોવાની શંકા રહેતી હોય છે. તેના કારણે પાલિકા તહેવારના દિવસોમાં ખાણી પીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે અને આ સેમ્પલ લઈને ફુડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે.
જોકે, છેલ્લા ઘણા વખતથી સુરતમાં બનાવટી ઘી, બનાવટી પનીર, બનાવટી તેલ સહિત અનેક ભેળસેળિયા વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં પાલિકાના વિરોધ પક્ષે પીપલોદ નાઈટ ફૂડ બજારમાં જનતા રેડ કરી હતી. જેમાં પાલિકાએ તપાસ કરતા 70 કિલો અખાદ્ય પદાર્થ મળી આવ્યો તેનો નાશ કરીને 26 હજારનો દંડ ફટકારી 13 સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ ભેળસેળીયા ખોરાક વેચાતી હોવાની ફરિયાદ છે.
આવી સંખ્યાબંધ ફરિયાદ વચ્ચે પાલિકાના ફૂડ વિભાગે એક વર્ષની કામગીરીના જાહેર થયેલા આંકડા લોકોને ભારે આશ્ચર્ય પહોંચાડી રહ્યાં છે. સુરત પાલિકાએ છેલ્લા એક વર્ષમાં 2223 ફૂડ સેમ્પલ લીધા હતા તેને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પરંતુ આવી ફરિયાદ વચ્ચે સુરત પાલિકાના ફૂડ વિભાગે લીધેલો એક જ નમુનો અનસેફ જાહેર થયો છે. આ ઉપરાંત 7 નમુના મિસ બ્રાન્ડ મળી આવ્યા છે અને 132 નમુના સબ સ્ટાર્ડન્ડ મળી આવ્યા છે. જેમાંથી એક અનસેફ નમુના હોય તે સંસ્થા સામે પાલિકાએ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે.
થોડા સમય પહેલા સુરતમાં દસ લાખનું બનાવટી ઘી અને પાંચ લાખના બનાવટી મસાલા પણ ઝડપાયા હતા. ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીના ફુડના સેમ્પલ પણ ફેલ ગયા છે. આ ઉપરાંત મીઠાઈ બનાવવા માટેના દુધના માવાના સેમ્પલ પણ નિષ્ફળ ગયાં છે આવી ફરિયાદ સામે પાલિકા વિસ્તારમાં એક જ સેમ્પલ અન સેફ અને 7 મિસ બ્રાન્ડ અને 132 સબ સ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ સામે અનેક લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
મિસ બ્રાન્ડ એટલે શું : ખોટી બ્રાન્ડ અથવા લેબલિંગ ખામીઓ
સબ સ્ટાન્ડર્ડ એટલે શું : ખોરાકના નમુના જે એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ કરતાં ઉતરતી કક્ષાની હોય તેવી વસ્તુ અન સેઈફ એટલે : પાલિકા જે નમુના લે છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલે છે જ્યાં ખોરાકની અંદર રહેલી વસ્તુ લોકોના આરોગ્ય માટે હાનિકારક થાય છે અને લોકોને નુકસાન થાય છે તેવો ખોરાક