Get The App

દીવા તળે અંધારું : સુરત પાલિકાએ ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન કર્યુ પણ પાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો દૂર-દૂર સુધી અભાવ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
દીવા તળે અંધારું : સુરત પાલિકાએ ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન કર્યુ પણ પાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો દૂર-દૂર સુધી અભાવ 1 - image


Surat Corporation : ગાંધી જયંતિએ સુરત પાલિકા તંત્ર અને શાસકોએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ ડુમસ બીચ ખાતે જઈને સફાઈ અભિયાન કર્યું હતું. ફોટો શેશન કરીને લોકોને સફાઈ માટેની અપીલ પણ કરી હતી. જોકે, સુરતીઓને સફાઈના પાઠ ભણાવતી સુરત પાલિકામાં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાની મુઘલસરાઈ ખાતે આવેલી પાલિકાની મુખ્ય કચેરીના અનેક દાદરો પર ગુટકા-પાનની પિચકારી જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ગંદકી બદલ લોકોને દંડ ફટકારતી પાલિકા કચેરીમાં જ અનેક જગ્યાએ કંડમ સામાન મૂકી રાખવામાં આવ્યો છે. પાલિકાની મુખ્ય કચેરીની આવી હાલતના કારણે પાલિકાએ ચેરીટી બિગેન્સ એટ હોમ કરવાની ખાસ જરૂર હોવા સાથે જો વડાપ્રધાનનો સ્વચ્છતાનો સંદેશા પ્રસરણ પાલિકાની મુખ્ય કચેરીએ રાખે તો જ સુરત પાલિકાની મુખ્ય કચેરીમાં સફાઈ યોગ્ય રીતે થાય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

સ્વચ્છતા માટે દેશમાં પહેલો નંબર ધરાવતી સુરત મહાનગરપાલિકા આ ક્રમ જાળવી રાખવા માટે લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે દીવા તળે અંધારું હોય તેવો પાલિકાનો ઘાટ થઈ રહ્યો છે. સુરત પાલિકા દ્વારા ગાંધી જયંતિના દિવસે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ ડુમસ બીચ ખાતે જઈને સફાઈ અભિયાન કર્યું હતું. આ ઉપરાંત પીઠાવાલા સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સંદેશનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. 

દીવા તળે અંધારું : સુરત પાલિકાએ ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન કર્યુ પણ પાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો દૂર-દૂર સુધી અભાવ 2 - image

સુરત પાલિકાના અધિકારીઓ-શાસકોએ ગાંધી જયંતિના દિવસે લોકોને પોતાના ઘર અને શહેરમાં સફાઈ કરવા માટે અપીલ કરી હતી. જોકે, સુરતીઓને સફાઈ માટેનો સંદેશો આપતી સુરત પાલિકા કે ભાજપ શાસકો ના ઘર કહેવાતી પાલિકાની મુઘલ સરાઈની મુખ્ય કચેરીમાં જ સફાઈ કરવાનું ભુલી ગઈ છે. 

સુરત પાલિકાની મુખ્ય કચેરીએ 120 નગર સેવકો અને હજારો કર્મચારીઓ સાથે સેંકડો મુલાકાતીઓ રોજ આવે છે. પાલિકા તંત્ર આ કચેરીની સફાઈ માટે મોટી રકમ પણ ફાળવે છે પરંતુ સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાની ચાડી મુખ્ય કચેરીના દાદર કરી રહ્યાં છે. સુરત પાલિકાની કચેરીના દાદર પર ઠેકઠેકાણે પાન-માવા અને ગુટખાની પીચકારીઓ જોવા મળે છે જે પાલિકાની દિવાલોને કદરૂપી બનાવી રહી છે. આ ઉપરાંત પાલિકા કચેરીમાં અનેક જગ્યાએ તુટેલી ખુરશીઓ અને અન્ય સામાન પણ ખડકી દેવામાં આવ્યો છે જેના કારણે ગંદકી વધી રહી છે. 

દીવા તળે અંધારું : સુરત પાલિકાએ ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન કર્યુ પણ પાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો દૂર-દૂર સુધી અભાવ 3 - image

લોકોના ઘરમાં જો ગંદકી હોય અને મચ્છર પેદા થાય તેવી સ્થિતિ હોય તો પાલિકા તંત્ર દંડ ફટકારે છે પરંતુ પાલિકાની મુખ્ય કચેરીમાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને કંડમ સામાન પણ મુકવામા આવ્યો છે તેના કારણે મચ્છર પેદા થાય તેવી સ્થિતિ છે. આવી સ્થિતિના કારણે મુલાકાતીઓ અને કર્મચારીઓના આરોગ્ય સામે પણ ખતરો છે. 

સુરત મ્યુનિ. કમિશનર, મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, વિપક્ષી નેતા, સહિત 120 નગર સેવકો અને તમામ અધિકારીઓની ઓફીસ છે તેવી મુખ્ય કચેરીમાં આવી હાલત હોવાથી લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે, ખરેખર તો વડા પ્રધાનનો સ્વચ્છતાનો સંદેશા પ્રસરણ પાલિકાની મુખ્ય કચેરી રાખવો જરૂરી હતો. પાલિકાએ ચેરીટી બિગેન્સ એટ હોમ કરવાની ખાસ જરૂર છે અને લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવે તે પહેલાં પોતે મુખ્ય કચેરીમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. 

દીવા તળે અંધારું : સુરત પાલિકાએ ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન કર્યુ પણ પાલિકા કચેરીમાં જ સ્વચ્છતાનો દૂર-દૂર સુધી અભાવ 4 - image

જાહેર રસ્તા પર લોકો થુંકે તો સીસીટીવી કેમેરાથી દંડ પણ પાલિકા કચેરીમાં આ નિયમ ગાયબ 

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં લોકોને ગંદકી કરતા અટકાવવા માટે સીસીટીવી કેમેરાનો સહારો લઈ રહી છે. લોકો જાહેરમાં થુંકતા પકડાય કે ગંદકી કરતા પકડાઈ તો સીસીટીવી કેમેરાથી કેપ્ચર કરીને દંડ ફટકારવાનું કામ કરી રહી છે. 

સુરત શહેરમાં વાહન ચાલકો જાહેરમાં પિચકારી મારે છે તેને કેપ્ચર કરીને વાહનોની નંબર પ્લેટના આધારે એડ્રેસ શોધીને દંડ વસૂલી રહી છે. સુરત પાલિકાની આ કામગીરીના કારણે કેટલાક લોકો સ્વચ્છતાના પાઠ ભણી રહ્યા છે પરંતુ જાહેર રસ્તા પર લોકો થુંકે તો સીસીટીવી કેમેરાથી દંડ પણ પાલિકા કચેરીમાં આ નિયમ ગાયબ થતો જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાની મુખ્ય કચેરીએ અનેક દાદર પર મુલાકાતીઓ, કર્મચારીઓ કે કોર્પોરેટરો દ્વારા પાન-માવા કે ગુટખાની બિંદાસ પિચકારી મારી રહ્યાં છે. પાલિકાની મુખ્ય કચેરી જ પિચકારી છે પરંતુ પાલિકા આવા લોકો પર કોઈ પગલાં ભરતી નથી તેથી પાલિકાની મુખ્ય કચેરીમાં ગંદકી થઈ રહી છે. 



Google NewsGoogle News