'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સુરત પાલિકાએ 179 કિલો પ્લાસ્ટિક-1700 કિલોનો કચરો ઉલેચ્યો : સફાઈ કર્મચારીનું અભિવાદન કર્યું
Surat Swachhata Hi Seva : ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનની 10મી બર્થડે અને મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ સુરત પાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત પાલિકાએ 179 કિલો પ્લાસ્ટિક ઉપરાંત 1700 કિલો અન્ય કચરો ઉલેચ્યવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરને સ્વચ્છતામાં દેશનું નંબર 1 શહેર બનાવનારા શહેરના સ્વચ્છતા કર્મી એવા સફાઈ કર્મચારીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 700થી વધુ લોકએ નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છતા દિવસ’ના જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના ડુમસ વિસ્તારમાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા વર્ષ 2107થી સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનની 10મી વર્ષગાંઠ પણ છે. જેની સયુંકત ઉજવણી માટે 'સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે 14સપ્ટેમ્બર થી 2ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે 2 ઓક્ટોબરના દિવસે ડુમસ બીચ ખાતે મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ-ધારાસભ્ય, પાલિકાના પદાધિકારીઓ, કમિશનર સંખ્યાબંધ કોર્પોરેટરો હાજર રહ્યાં હતા. આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્વચ્છતાના વિવિધ પ્રકલ્પનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ સુરત, એસજીપીપીએલ ઇકોવિઝન, મેઘસાગર ફાઉન્ડેશન, બાયો ફિક્સ જેવી અન્ય સંસ્થાઓ તથા એસજીએચના સભ્યોએ ભાગ લીધો હતો અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ મહાનુભાવો દ્વારા શહેરના સ્વચ્છતા કર્મી એવા સફાઈ કર્મચારીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સફાઈની કામગીરીને ધ્યાને લેતા દરિયાકિનારા ખાતે 60 સુપરવાઈઝર, 450થી વધુ સફાઈ કામદારો તથા 1500થી વધુ નાગરિકો સાથે 2 ડોર ટુ ડોર ગાડી, 6 ઈ-વેહિકલ અને અન્ય વાહનો સાથે 20 ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશ દરમિયાન 179 કિલોગ્રામ પ્લાસ્ટિક તથા 1700 કિલોગ્રામ અન્ય કચરો એકત્ર કરવામાં આવ્યો હતો તથા એકત્ર કરાયેલ કચરાનું સોર્સ સેગ્રીગેશન કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત આ વિસ્તારની એક શાળામાં 700થી વધુ લોકોએ નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છતા દિવસ’ના જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.