સુરત: પાલિકાએ એક અઠવાડિયામાં 500થી વધુ રખડતા ઢોર ડબ્બે પુર્યા

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
સુરત: પાલિકાએ એક અઠવાડિયામાં 500થી વધુ રખડતા ઢોર ડબ્બે પુર્યા 1 - image


Image Source: Twitter

- નવી પશુ પોલિસી અંગે પશુપાલકોમાં ઉદાસીનતા, અઠવાડિયામાં માત્ર 26 ફોર્મનું જ વિતરણ

- પાલિકાએ 56 હજાર પશુ માંથી 52 હજાર જેટલા પશુ માં આર.એફ.આઈ.ડી. લગાવી , હવે પશુ દીઠ 200 રુપિયા લઇ આર.એફ.આઈ.ડી. લગાવાશે

સુરત, તા. 09 નવેમ્બર 2023, ગુરુવાર

ગુજરાત સરકારે રખડતા પશુઓ નો ત્રાસ દુર કરવા માટે બનાવેલી નવી ના અમલ માટે સુરત પાલિકા તૈયારી કરી રહી છે તો બીજી તરફ સુરત પાલિકા વિસ્તારના પશુપાલકો આ પોલીસી માટે ઉદાસીન જોવા મળી રહ્યાં છે. પશુ રાખવાના નિયમો કડક બનાવ્યા હોવાથી અત્યાર સુધીમાં માત્ર 26 જ ફોર્મનું વિતરણ પાલિકાના સિટી સિવિક સેન્ટર પરથી થયું છે. જોકે, પાલિકા આ પોલીસી નો અમલ કરવા મક્કમ છે પોલિસી જાહેર કર્યાના 90 દિવસ બાદ પાલિકા અમલ કરવાનું શરૂ કરશે 

રખડતા પશુ પર નિયંત્રણ માટે કોર્ટના આદેશ બાદ સુરત પાલિકાએ કડક કામગીરી શરૂ કરી છે. પાલિકા એ છેલ્લા એક અઠવાડિયામાં રસ્તા પર રખડતા 500થી વધુ પશુ ઝડપીને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. શહેરમાં 56 હજાર પશુ હોવાનો અંદાજ છે તેમાંથી પાલિકાએ વિના મુલ્યે 52 હજાર પશુ માં આર.એફ.આઈ.ડી. લગાવી દીધી છે. હવે જે બાકી પશુ છે તેના માટે પાલિકા બસો રુપિયા વસૂલીને ચીપ લગાવશે. 

1 નવેમ્બરથી નવી પોલિસી જાહેર કરાયા બાદ સુરત પાલિકા વિસ્તારમાં રાખવામા આવતા પશુ ના રજીસ્ટ્રેશન માટે  પાલિકાએ સીટી સિવિક સેન્ટર પરથી વિના મુલ્યે ફોર્મ વિતરણ શરૂ કર્યું છે પરંતુ એક અઠવાડિયાનો સમય પૂરો થયો હોવા છતાં હજી સીટી સિવિક સેન્ટર પરથી માત્ર 26 ફોર્મનું જ વિતરણ થયું છે. પશુઓ માટેની નવી પોલીસી માં કડક નિયમો છે તેના કારણે પશુ પાલકોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે.

જોકે, પોલીસી જાહેર કર્યાના 90 દિવસ એટલે 1 ફેબ્રુઆરી બાદ સુરત પાલિકા નવી પોલીસીનો કડકાઈથી અમલ કરશે. આ નીતિ લાગુ કરાયા બાદ પશુમાં આર.એફ.આઈ.ડી.  લગાવવા માટે એક હજાર રુપિયાનો ચાર્જ વસુલાશે. આ ઉપરાંત પશુ પાલકો એ પશુને રાખવા માટે ફરજિયાત પશુની પરમીટ લેવી પડશે જેની મુદત ત્રણ વર્ષની રહેશે ત્યાર બાદ રીન્યુ કરવાની રહેશે. 

સુરત પાલિકા દ્વારા  1 નવેમ્બરથી શહેરમાંથી રખડતા પશુઓ પકડીને ઢોર ડબ્બે કે પાંજરા પોળ માં મોકલવાની કામગીરીનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે.  જેના કારણે એક સપ્તાહમાં 500 જેટલા રખડતા ઢોર પકડાયા છે. પાલિકાની કામગીરી આક્રમક હોવાથી કેટલીક જગ્યાએ પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ પર હુમલા પણ કરવામા આવ્યા છે. જોકે, કોર્ટના આદેશ હોવાથી સુરત પાલિકા નવી નીતિનો કડકાઈથી અમલ કરવા માટે મક્કમ છે.



Google NewsGoogle News