સુરત: પાલિકાની સ્ટ્રીટ લાઈટ અંગે ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં
Image Source: Freepik
- સ્ટ્રીટ લાઈટની ચકાસણી માટે રાત્રી દરમિયાન સુપરવાઈઝરની જવાબદારી સોંપવા સુચના
- સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદ કનરારાને હવે લાઈટ વિભાગના જુનિયર અને આસીસ્ટન્ટ ઈજનેરનો નંબર આપવામા આવશે
સુરત, તા. 26 નવેમ્બર 2023, રવિવાર
સુરતમાં દિવાળી દરમિયાન પાલિકા કચેરી પર રોશની બંધ થયા બાદ લાઈટ વિભાગની પનોતી બેસી છે. શહેરમાં સ્ટ્રીટ લાઈટ અંગે અનેક ફરિયાદ બાદ પાલિકા કમિશ્નર એક્શનમાં આવ્યા છે અને શહેરમા સ્ટ્રીટ લાઈટની રાત્રી દરમિયાન પણ ચકાસણી કરવા માટેની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગે કોઈ પણ ફરિયાદ હોય તેનો સીધો જવાબ અરજદારને મળે તે માટે સંબંધિત અધિકારીનો નંબર મળી જાય તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વેડ વરિવાય બ્રિજ પહેલા રસ્તા પર દસ મહિના પહેલા પોલ લાગી ગયા છે પરંતુ લાઈટ લાગી ન હોવાથી ફરિયાદ સ્થાનિક કોર્પોરેટરે સીધી મ્યુનિ. કમિશ્નરને કરી હતી. આ ઉપરાંત દિવાળી દરમિયાન આખા શહેરમાં લાઈટ કરવા માટે લોકોને અપીલ કરનાર સુરત પાલિકાની મુખ્ય કચેરીએ જ લાઈટ બંધ હોવાનું ખુદ મ્યુનિ. કમિશ્નરે ઝડપી પાડ્યું હતું. આ કિસ્સામાં લાઈટ વિભાગના વડા આશીષ નાયકને નોટિસ આપી દેવામાં આવી ઉપરાંત તપાસ પણ સોંપવામાં આવી છે.
લાઈટ વિભાગની વિવાદી કામગીરી હોવાની અનેક ફરિયાદ પાલિકા કમિશ્નરને મળી છે જેમાં સ્ટ્રીટ લાઈટ અનેક વિસ્તારમાં બંધ હોવાની વ્યાપક ફરિયાદ છે. આ અંગેની ફરિયાદ બાદ પણ લાઈટ ચાલુ ન થતી હોવાની ફરિયાદ વારંવાર આવી રહી છે તેના કારણે મ્યુનિ. કમિશ્નર એક્શનમાં આવી ગયા છે. પાલિકા કમિશ્નરની સુચના બાદ સીટી ઈઝનેરના અધ્યક્ષસ્થાન હેઠળ ઈલેક્ટ્રીક અને મેકેનિક વિભાગના અધિકારી-કર્મચારીઓ અને ઝોનના કાયપાલક ઈજનેરની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ ઓન લાઈન કમ્પેઈન નોંધાવનારાને પહેલાં ઓન લાઈન કમ્પ્લેઈન મેનેજમેન્ટ થકી ઈજારદારના કર્મચારીઓના નંબર આપી દેવામા આવતા હતા. પરંતુ તેમાં ફરિયાદનો નિકાલ યોગ્ય થતો ન હોય આ સિસ્ટમાં ફેરફાર કરવાની સુચના આપવામાં આવી છે. હવે કોઈ અરજદાર ઓન લાઈન ફરિયાદ કરશે તેને ઈજારદારોના નંબરને બદલે સીધા જે તે વિસ્તારમાં ફરજ બજાવતા લાઈટ વિભાગના જુનિયર અને આસિસ્ટન્ટ ઈજનેરને નંબર આપવા માટેની સુચના આપવામા આવી છે.
આ ઉપરાંત અનેક જગ્યાએ રાત્રી દરમિયાન લાઈટ બંઘ રહેવાની ફરિયાદ આવે છે તેવા કિસ્સા બહાર આતાં રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટની ચકાસણી કરવાની જવાબદારી ડેપ્યુટી ઈજનેર ને કરવા સુચના આપવામાં આવી છે.