સુરતના પાલ-ઉમરા બ્રિજ પર અકસ્માત પર નિયંત્રણ માટે ડિવાઈડર ઉંચા કરવા અને કેમેરા મુકવા સુરતના સાંસદનું સૂચન
Pal Umra Bridge Surat : બ્રિજ સિટી એવા સુરત શહેરમાં પાલ અને ઉમરાને જોડતો પાલ-ઉમરા બ્રિજ હાલ અકસ્માત ઝોન બની ગયો છે. સમયાંતરે અકસ્માત થઈ રહ્યાં છે અને ઘણા ગંભીર અકસ્માત છે તેને રોકવા માટે સુરતના સાંસદે કેમેરા માટે ગ્રાન્ટ ફાળવવા સાથે અકસ્માત રોકવા માટે ડિવાઈડર ઉંચા કરવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે. આ કામગીરી ઝડપથી થાય તો અનેક ગંભીર અકસ્માત રોકી શકાય તેવું પણ તેઓએ કહ્યું છે.
સુરત શહેરમાં હાલમાં પાલ ઉમરા બ્રિજ પર ઓવર સ્પીડના કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હાલમાં જ એક કિશોરે પુરપાટ ઝડપે કાર ચલાવી કાર ડિવાઈડર કુદાવી સામેથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિ જીવ ગુમાવવો પડ્યો હતો. આવા ગંભીર અને જીવલેણ અકસ્માત ઘટાડવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિ. કમિશનરે એક પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, આ બ્રિજ પર સ્પીડ લીમીટ નક્કી કરી તે મુજબના બોર્ડ લગાવવા અને કેમેરા લગાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી હોવાનું પણ જણાવ્યું છે.
સુરતના રીંગ રોડ પરના ફ્લાય ઓવર બ્રિજ પર છાસવારે અકસ્માત થતાં હતા તેમાં પણ વાહન સ્પીડમાં હોય તો નાના ડિવાઈડર કુદાવીને સામેની તરફથી આવતા વાહનો અડફેટમાં આવતા હતા. આ અકસ્માત ઘટાડવા માટે અહી ડિવાઈડર ઉંચા કરી દેવામા આવ્યા હતા અને ત્યારબાદ ગંભીર અકસ્માતની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો.
સાંસદ દલાલે એવું જણાવ્યું છે કે, આ બ્રિજ પર પણ બેફામ પુર ઝડપે દોડતી ગાડીઓ ડ્રાઈવર કાબુ ગુમાવવાને કારણે સામે છેડેથી આવતા વાહન ચાલકોને પણ લપેટમાં લીધેલા છે. તો આ અસ્ક્યામતો ઓછા થાય અથવા જાનહાની ઓછી થાય તે માટે અગી પણ બ્રિજ વચ્ચે જે ડિવાઈડર છે તે ડિવાઈડરની ઉંચાઈ વધારવામાં આવે તે જરૂરી છે. ડિવાઈડરની ઉંચાઈમાં વધારો કરવામા આવે તો ઓવર સ્પીનીંગ ગાડી ડિવાઈડર સાથે અથડાઈને તે જ ટ્રેક પર ઘસડાઇને પડશે. ઘસડાવવાના કારણે તેની સ્પીડ ઓછી થઇ જશે.અને અકસ્માતોની સંખ્યામાં અને ગંભીરતામાં ઘટાડો અવશ્ય આવશે.
અકસ્માતનું મુખ્ય કારણ ઓવર સ્પીડ હોવાનું બહાર આવ્યું છે તેના કારણે આ બ્રિજ પર સ્પીડ લીમીટ નકકી કરવા સાથે ઓવર સ્પીડથી દોડતા અકસ્માત સર્જનાર વાહન ચાલકોને ઓળખી શકાય તે માટે કેમેરા મૂકવામાં આવે તે જરૂરી છે. તેથી આ કેમેરા માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે તેથી આ બન્ને કામગીરી તાકીદે કરવા માટે મ્યુનિ. કમિશનરને સાંસદે જણાવ્યું છે.