'બ્રિજ સીટી' સુરતમાં 70 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજની દયનીય હાલત, સાંસદે બિસ્માર પરિસ્થિતીના ફોટા સાથે કમિશ્નરને લખ્યો પત્ર
Surat : સુરતમાંથી પસાર થતી તાપી નદી પર સૌથી પહેલા એવા હોપ બ્રિજ તોડીને પાલિકાએ નવો બ્રિજ બનાવ્યો છે. આ ઉપરાંત નહેરુ બ્રિજનું રિસ્ટોરેશન કરવામા આવ્યું છે. પાલિકાએ 70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવ્યો છે તે પાલિકાની જાળવણીના અભાવે જોખમી બન્યો છે. બ્રિજ પર પાળીના ટોપ પર નીચે તરફ સળીયા દેખાતા થઈ છે. ઉપરાંત પાળીના નીચેના ભાગમાં ઘણી બધી જગ્યાઓએ નાના મોટા બાકોરા પડી ગયા છે તે રાહદારીઓ માટે જોખમી છે. સુરતના સાંસદે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને તાત્કાલિક જોખમી બની ગયેલી રેલીંગ રીપેર કરવા માટે જણાવ્યું છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીના કારણે રાંદેર તરફથી શહેર વિસ્તારમાં જવા માટે એક માત્ર હોપ પુલ હતો. આઝાદી બાદ શહેરની વસ્તી વધતા તાપી નદી પર કોંગ્રેસના શાસનમાં 1966માં તાપી નદી પર ચોક બજાર અને અડાજણ પાટીયા વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં સુરતમાંથી પસાર થતી તાપી નદી પર એક ડઝન જેટલા બ્રિજ બની ગયાં છે. આ બ્રિજ નબળો પડતાં 2007માં બ્રિજને એક્સપાન્શન કરવા સાથે હોપ બ્રિજ તોડીને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
જોકે, પાલિકાએ હાલ બનાવેલા બ્રિજની રેલીંગ રાહદારીઓ માટે જોખમી બની ગઈ છે. સુરતના બિન હરીફ સાંસદ મુકેશ દલાલે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને આ બ્રિજ પર ચાલતા લોકો માટે જોખમ છે તેવું જણાવ્યું છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, આ બ્રિજ ઉપર અડાજણ તરફથી ચોક તરફ આવતા બ્રીજ ઉપર ડાબા હાથ પર જે પાળી બનાવી છે તે અડાજણ નાકાથી ચોક છેડા સુધી સળંગ ઘણી બધી જગ્યાએ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં દેખાય છે. પાળીના ટોપ પર નીચે તરફ સળીયા દેખાતા થઈ છે. ઉપરાંત પાળીના નીચેના ભાગમાં ઘણી બધી જગ્યાઓએ નાના મોટા બાકોરા પડી ગયા છે. કેટલાક બાકોરા તો એટલા મોટા છે કે આખો ને આખો બાળક અથવા માણસ પણ નદીમાં પડી જઈ શકે છે. આ બ્રિજ ઉપર સુરતીઓ રાત્રિના સમયે ચાલવા માટે અથવા બાળકો સાથે ફરવા માટે આવતા હોય છે. તેઓના માથે જોખમ છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ ખુબ નાજુક અને જોખમી સ્થિતિ છે જે મેં જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે. તો તેનું બને એટલી ત્વારીનાથી અધિકારીઓ પાસે સ્થળ નિરીક્ષણ કરાવી કોઈ જાનહાની થાય તે પહેલા તાકીદે રીપેરીંગ કરાવી દેવો જોઈએ.