સુરતના ડીંડોલીમાં હત્યાના બનાવના વિરોધમાં સ્થાનિકોએ બ્રિજ બંધ કરી દીધો
Image Source: Freepik
સુરતના નવાગામ ડીંડોલી બીલીયાનગરમાં ગત સાંજે થયેલી યુવાનની હત્યાના વિરોધમાં યુવાનનો મૃતદેહ પોસ્ટમોટમ બાદ ઘરે આવે તે પહેલા સ્થાનિકોએ મૃતકના પરિવારજનો સાથે મળીને હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરવી ત્યાંનો બ્રિજ બંધ કરી ચક્કાજામ કરી દેતા સ્થિતી વણસી હતી. બનાવને પગલે દોડી ગયેલી પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતી કાબુમાં લીધા બાદ મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નવાગામ ડીંડોલી બીલીયાનગરમાં ગત સાંજે અતુલ સોની (યાદવ)ની ત્રણ અજાણ્યાઓએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.અંગત અદાવતમાં થયેલી હત્યાના આ બનાવમાં ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપી પૈકી ત્રણ યુવાન અને એક તરુણને ઝડપી લીધા હતા.દરમિયાન, મૃતક યુવાનનો મૃતદેહ આજે બપોરે પોસ્ટમોર્ટમ બદ તેના ઘરે પહોંચે તે અગાઉ મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિકોએ તેની હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરવી આક્રોશ સાથે નજીકનો ઓવરબ્રિજ બંધ કરી દેતા સ્થિતી વણસી હતી. લોકોએ ચક્કાજામ કરી દેતા ડીંડોલી પોલીસ તેમજ આજુબાજુના પોલીસ મથકના પોલીસ જવાનો અને અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.