સુરત પતંગ મહોત્સવ : કર્ણાટકના પતંગબાજોએ ઉદ્યોગપતિ રતન ટાટા અને ફિલ્મ અભિનેતા પુનિત રાજકુમારને શ્રદ્ધાંજલિ આપતા પતંગ ઉડાવ્યા
Surat Kite Festival : ઉત્સવ પ્રિય સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં દેશ અને વિદેશના પતંગબાજોએ પોતાના પતંગના કરતબ દેખાડ્યા હતા. જોકે, આ પતંગબાજીમાં કર્ણાટકના પતંગબાજો બધાથી અલગ તરી આવતા હતા. આ પતંગબાજોએ ઉદ્યોગપતિ રતન ટાટા અને ફિલ્મ અભિનેતા પુનિત રાજકુમારને શ્રદ્ધાંજલિ આપતા પતંગ ઉડાવ્યા હતા. આ પતંગબાજો કહે છે, કર્ણાટકમાં પતંગ શોખ નહીં પરંતુ સંસ્કૃતિ છે. કર્ણાટકના પતંગ બાજે પતંગની સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે 750 થી વધુ સેમીનાર કર્યા : કર્ણાટકમાં લગ્ન બાદ નવ પોઇન્ટ દંપતિ જાતે બનાવેલા પતંગ ચગાવે છે, આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે, કર્ણાટકમાં પતંગબાજ સંસ્કૃતિ છે પરંતુ કર્ણાટકમાં પતંગની દુકાન ભાગ્યે જ હોય છે લોકો પોતે પતંગ બનાવી ચગાવે છે.
સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નું આયોજન કરાયું હતું. આ પતંગ મહોત્સવમાં 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા. આ પતંગોત્સવમાં કર્ણાટકના ચાર પતંગબાજોનું ગ્રુપ જોડાયું હતું. આ પતંગબાજોએ કહ્યું હતું કે, અમે ભારતના મહાન બિઝનેસ મેન રતન ટાટાનો મોટો પતંગ બનાવ્યો છે તેની સાથે સાથે કર્ણાટકના ફિલ્મ સ્ટાર અને સમાજ સેવક એવા ડો.પુનિત રાજકુમારના ચિત્રવાળા પતંગ ચગાવી તેમને શ્રધ્ધાંજલી આપીએ છીએ. તેઓએ કહ્યું હતું કે, ડો.પુનિત રાજકુમાર માત્ર અભિનેતા જ નહી પરંતુ મહાન સમાજ સેવક હતા તેઓના અવસાનથી ફિલ્મ જગત સાથે પુરા કર્ણાટકમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
આ ગ્રુપના પુનીત કે જેઓ કાઈટ પુનીતના નામે ઓળખાય છે તેઓએ કહ્યું હતું કે અમે કર્ણાટક રાજ્યના નકશા નો પતંગ પણ લાવ્યા છે. વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે કર્ણાટકમાં પતંગ શોખ નહીં પરંતુ સંસ્કૃતિ છે. કર્ણાટકમાં પતંગની દુકાન ભાગ્યે જ હોય છે લોકો પોતે પતંગ બનાવી ચગાવે છે. તેઓએ 1 સે.મીની પતંગથી માંડીને 42 ફુટની પતંગ બનાવ્યો છે. જેને બ્રિટિશ વર્લ્ડ ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
કર્ણાટકમાં પતંગની દુકાન ભાગ્યે જ જોવા મળે છે પરંતુ મેરેજ બાદ નવ દંપતી પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરે છે. કર્ણાટકમાં પંતગ સંસ્કૃતિ છે અને યંગ જનરેશનમાં પણ આ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. યંગ જનરેશન કાઈટ વિશે માહિતી મેળવે અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુસર કોલેજ સ્ટુડન્ટને કાઈટ વિશે ફ્રીમાં નોલેજ આપવામાં આવે છે. તેના કારણે કર્ણાટકમાં તેઓએ વિના મૂલ્યે 773 કાઈટ વર્કશોપ કર્યા છે. કર્ણાટકના આ પતંગબાજો બીજી વખત સુરત આવ્યા છે અને તેઓને સુરતની મહેમાનગતિથી ભારે ખુશ થયાં છે.