ભુતકાળમાં રિવાઈઝ બજેટમાં મોટા ઘટાડા બાદ પણ 70 ટકા જેટલું બજેટ વપરાતું હતું
Image Source: Freepik
સુરત મહાનગરપાલિકામાં ગત નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2023-24 માં 100 ટકા બજેટ ખર્ચ કરીને સુરત પાલિકાએ એક ઈતિહાસ બનાવ્યો છે. સુરત પાલિકાના છેલ્લા પાંચ વર્ષના બજેટના આંકડાઓ જોવામાં આવે તો આ પહેલાં મૂળ બજેટમાં અનેકગણો ઘટાડો કરીને રિવાઈઝ બજેટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં બજેટને 100 ટકા ખર્ચ પુરો થયો ન હતો. સુરત પાલિકાએ ગત નાણાકીય વર્ષમાં રિવાઈઝ બજેટમાં મોટો ઘટાડો કર્યા વિના બજેટ નો 100 ટકા ઉપયોગ કરી એક નવો જ ઈતિહાસ બનાવી દીધો છે.
આગામી લોકસભાની ચૂંટણી થાય તે પહેલાં જ પાલિકા બજેટ જાહેર થયેલા આંકડા સુરતીઓ માટે સુકનિયાળ સાબિત થયાં છે. સુરત પાલિકામાં ગત નાણાકીય વર્ષમાં બજેટમાં રજૂ કરવામા આવેલા તમામ પ્રોજેક્ટને સફળતા મળી છે. સુરત પાલિકાએ ગત નાણાકીય વર્ષમાં રિવાઈઝ બજેટમાં રજુ કરેલા 100 ટકા ખર્ચ થયો છે. જોકે, છેલ્લા દિવસે ઓડિટની ઓફિસ અન્ય ઓફિસની જેમ ચાલુ રહી હોત તો આ આંકડો 100 ટકાથી થોડો આગળ વધી શક્યો હોત.
સુરત મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2023-24 ના રીવાઈઝ બજેટમાં વિકાસના કામો માટે .3710 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો અને રિવાઈઝ બજેટમાં અંદાજને 3203 કરોડ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ પુરુ થયા પહેલાં જ સુરત પાલિકાએ સુધારેલ બજેટ નો 100 ટકા ખર્ચ કરી દીધો છે. કમિશનર શાલિની અગ્રવાલ અને તેમની ટીમે વિકાસ કામો પાછળ 3203 કરોડનો ખર્ચ કરીને પાલિકામાં ઈતિહાસ બનાવી દીધો છે. જ્યારે મૂળ બજેટ ના 86.34 ટકા ખર્ચ કર્યો તે પણ એક રેકર્ડ જ છે.
સુરત પાલિકા કમિશનર દ્વારા બજેટમાં વાસ્તવિક પ્રોજેક્ટને જ મહત્વ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બજેટમાં રજૂ કરાયેલા પ્રોજેક્ટ માટે રિવ્યુ બેઠક પણ સતત કરવામાં આવતી હતી જેના કારણે આ વાસ્તવિક સિદ્ધિ હાંસલ કરી છે. પાલિકા કમિશનરે બજેટ જાહેર કર્યું હતું તેના બીજા દિવસથી જ સંકલન બેઠક શરુ કરી દીધી હતી અને તમામ પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન આપીને કામગીરીનો સાપ્તાહિક હિસાબ લેવામાં આવતો હતો. આ ઉપરાંત ભાજપ શાસકો સાથે સંકલન કરીને કરવામાં આવેલી કામગીરી ના પગલે સુરત પાલિકાએ નાણાકીય વર્ષમાં રેકર્ડ બ્રેક વિકાસના કામો કર્યા છે
પાલિકાના બજેટમાં ભુતકાળમાં કેપીટલ પ્રોજેક્ટ માં જંગી રકમ ની જોગવાઈ કરવામાં આવતી હતી અને ત્યાર બાદ રિવાઈઝ બજેટમાં 70થી 75 ટકા બજેટ કરી દેવામાં આવ્યું હતું. જોકે, ગત નાણાકીય વર્ષે મૂળ બજેટમાં 86.34 ટકા કર્યા બાદ પણ 100 ટકા રકમનો ઉપયોગ થઈ ગયો છે. ભુતકાળમાં 67 ટકા સુધીની જોગવાઈ રિવાઈઝ બજેટમાં કરવામાં આવતી હતી. ત્યારબાદ પણ મહત્તમ ખર્ચ 96 ટકા જેટલો જ થયો હતો. પરંતુ હાલ મ્યુનિ. કમિશ્નરે બજેટ જાહેર કર્યા બાદ તરત જ રિવાઈઝ બેઠકનો દોર શરુ કરી દીધો હતો જેના કારણે રિવાઈઝ બજેટમાં 100 ટકા ખર્ચ થવા પામ્યો છે તે એક ઈતિહાસ બની ગયો છે.