સુરતમાં જૂની અદાવતમાં મોડી રાત્રે જાહેરમાં તિક્ષ્ણ હથિયારો વડે હુમલો, યુવકનું ઘટનાસ્થળે જ મોત
Surat Murder Case: રાજ્યભર સહિત સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે શનિવારે મોડી રાત્રે સુરતના ડીંડોલી વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા શખ્સ ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. મૃતક મર્ડર કેસનો આરોપી હતો. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડેડબોડીને પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી જગદંબા નગર સોસાયટીમાં ગણેશ વાઘ નામનો શખ્સ પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઘાતકી હથિયારો વડે હુમલો કરતાં ગણેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થતાં ગણેશ વાઘનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. હત્યાના ગુનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળી રહી છે અને હત્યારાઓની શોધખોળ માટે ટીમ બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મૃતક અગાઉ એક યુવકની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. જેની અદાવત રાખી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોઇ શકે છે. જોકે આ અંગે પોલીસે કોઇ સત્તાવાર પુષ્ટિ કરી નથી. હાલમાં પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી રહી છે.