Get The App

સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર 1 - image


Surat Heavy Rain : રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6.00થી બપોરે 4.00 વાગ્યા સુધીમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ ખાબક્યો છે. વરસાદના કારણે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત પાણીનો વહેલી તકે નિકાલ કરવા કોર્પોરેશનની ટીમ પણ કામે લાગી ગઈ છે. શહેરની રાજદીપ સોસાયટીમાં અનેક વાહણો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વેડરોડ પર જેસીબીની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.

સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

જુઓ VIDEO : અમદાવાદનાં શેલામાં બસ સમાઈ જાય એટલો ભૂવો પડ્યો

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ.ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ, કામરેજ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા બે ઈંચ, સંખેડામાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ઉમરપાડામાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, કપરાડા,વાલોડમાં બે બે ઈંચ, નવસારી,જલાલપોરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર 2 - image

સુરતના ઉના વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ધરાશાયી

સુરત શહેરનાં ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું. ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા વીજ વાયર ખેંચાયા હતા, જેના કારણે ચોકમાં બે થાંભલા જીવંત વીજ વાયર સાથે રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ એક રીક્ષાને નુકસાન થયું છે.

મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં 

મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.

પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પોકળ સાબિત

સુરતમાં વરસાદી પાણી ભરાયા હતા. સુરતમાં વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વેડરોડ સહિત સમગ્ર રોડ વરસાદમાં ગરકાવ થયા હતા, તો પાણી ભરાતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીર પોકળ સાબિત થઈ હતી. સુરતના મજુરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


Google NewsGoogle News