ઔદ્યોગિક એકમોમાંથી ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડાયું હોય તો જીપીસીબી પણ જવાબદાર: ડ્રેનેજ અધ્યક્ષ
- પાલિકાની વરસાદી ગટરમાં છોડાતા ઈન્ડસ્ટ્રીયલ એકમોના છોડાતા પાણીની તપાસ કરવા ડ્રેનેજ કમિટિની સુચના
- ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ હોય તેવા પ્રોજેક્ટ અધુરા હોય તેની વિગતો મંગાવી
સુરત, તા. 16 ઓક્ટોબર 2023, મંગળવાર
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ગટર અને વરસાદી ગટરમાં ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કર્યા વિનાનું કેમિકલવાળું પાણી છોડાતું હોવાની ફરિયાદ બાદ સોમવારે ડ્રેનેજ કમિટીની બેઠકમાં પાલિકાની વરસાદી ગટરમાં છોડાતા ઈન્ડસ્ટ્રીયલ એકમોના છોડાતા પાણી ની તપાસ કરવા માટે વિભાગને સુચના આપવામા આવી છે. આ ઉપરાંત હાલમાં ડ્રેનેજ વિભાગના જે કામો છે તેની ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ છે તેમ છતાં કામ પૂરા થયા નથી તેવા કામો ની વિગત મંગાવી ત્વરિત કામગીરી થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા પાંડેસરા, અશ્વનિકુમાર રોડ અને વરાછાના કેટલાક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેઈનમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ છે. વિપક્ષના કેટલાક કોર્પોરેટરોએ વિડીયો સાથે આ અંગેની ફરિયાદ કરી હતી તો લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે ઔદ્યોગિક એકમો દ્વારા આ પ્રકારની ગેરરીતિ કરવામાં આવતી હોય ડ્રેનેજ ચોક અપ થવા સાથે કેટલીક વાર પાણી રસ્તા પર આવતું હોય લોકોની હાલાકી થઈ રહી છે.
આવી ફરિયાદ બાદ ડ્રેનેજ કમિટીની બેઠકમાં આ ન્યુસન્સ દુર કરવા માટે નિર્ણય કરાયો છે. ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કર્યા વિનાનું પાણી પાલિકાની ડ્રેનેજ માં છોડવામાં આવે છે તે ગેરકાયદેસર છે અને તેના માટે ઉદ્યોગો સાથે સાથે જીપીસીબીની પણ જવાબદારી બને છે. જીપીસીબી દ્વારા ભૂતકાળમાં ઔદ્યોગિક એકમોને નોટિસ આપવામાં આવી છે તેમ છતાં સમયાંતરે આ સમસ્યા બહાર આવી રહી છે. જેના કારણે ડ્રેનેજ વિભાગના સૂચના આપીને શહેરમાં જ્યાં આ પ્રકારની ફરિયાદ મળી છે તેવા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કડકાઈથી તપાસ કરવામા આવે અને આ ન્યુસન્સ કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી કામગીરી કરવા માટે સુચના આપવામા આવી છે.
આ ઉપરાંત ડ્રેનેજ વિભાગ દ્વારા જે કામ ચાલી રહ્યાં છે તેમાં કેટલા કામોની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે તે કામગીરી કેમ પુરી નથી થઈ તેની વિગતો રજુ કરવા વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આજની ડ્રેનેજ કમિટિની બેઠક મા કોટ વિસ્તારની સર્વિસ ગલીમાં ડ્રેનેજની સુવિધા પુરી પાડવા માટે પણ મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે.