Get The App

સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો દાઝ્યા, રહીશો ઉંઘમાંથી ઉઠીને દોડ્યા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો દાઝ્યા, રહીશો ઉંઘમાંથી ઉઠીને દોડ્યા 1 - image


Gas cylinder blast in Surat : સુરતના પુણા ગામમાં આજે (મંગળવારે) વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝી ગયા છે. ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વહેલી સવારે ઘોર નિંદ્રામાં સૂતા લોકો પણ ઉઠી દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

મળતી માહિતી અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ગજેન્દ્ર ભદોરીયાના ઘરની બાજુવાળા રૂમમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ગજેન્દ્ર ભદોરીયાના પરીવારના તમામ લોકો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ રીક્ષા ચલાવે અને તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરો છે. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ વિસ્તારના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 

સ્થાનિક રહીશો દ્વારા સિલિન્ડર બ્લાસ્ટના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News