સુરતમાં શિક્ષણ સમિતિની વેબસાઈટ પર શાળા દેખાઈ પણ સ્થળ પરથી ગાયબ
સુરત, તા. 25
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શાસકોએ પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. પરંતુ અંબાનગર માં મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી પણ શિક્ષકોના અભાવે બંધ કરી દેવી પડી છે. સમિતિએ બાળકો ન હોવાનું બહાનું આગળ ધરીને શાળા બંધ કરી છે પણ એ વાત તદ્દન ખોટી હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહી છે અને આવી અન્ય પણ શાળાઓ હોવાની શંકા વ્યક્ત કરી છે.
સુરત શિક્ષણ સમિતિની વેબસાઈટ પર અંબાનગર ખાતે શાળા ક્રમાંક 357 અંબાનગર ખાતે આવી છે. આ શાળામાં અંગ્રેજી માધ્યમની શાળા હોવાનું દેખાઈ રહ્યું છે. પરંતુ સ્થળ પર આ શાળા જ નથી અને અંગ્રેજી માધ્યમની શાળા બંધ કરી દેવામા આવી છે. આ અંગે વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ શાળા ની મુલાકાત લઈને કહ્યું હતું કે, અંબાનગર માં આવેલી 357 નંબરની શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ જ શરૂ કરવામાં આવી હતી અને છતાં શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી.છે.
સુરત શિક્ષણ સમિતિબાળકો ન હોવાનું બહાનું આગળ ધરીને શાળા બંધ કરી છે પણ એ વાત તદ્દન ખોટી છે કારણ કે કોઈ પણ શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ જ શરૂ કરવામાં આવે છે. તેવી જ રીતે સર્વે કરીને આ શાળા શરુ કરવામાં આવી હતી. પરંતુ આ શાળામાં મિતિએ આ શાળાને કોઈ કાયમી અંગ્રેજી શિક્ષક ફાળવ્યા જ નહોતા. એકાદ વર્ષ આ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી અને એ પણ શિક્ષક પણ હિંદી માધ્યમના હતાં. એ એક જ વ્યક્તિ શિક્ષક, એ એક જ વ્યક્તિ આચાર્ય અને એ એક જ વ્યક્તિ એક થી પાંચ ધોરણ પણ સાચવતા હતા.
સમિતિ આ શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાનું જણાવી શાળા બંધ કરી દેવામા આવી છે પરંતુ શિક્ષકો ન હોવાથી શાળા બંધ કરવામા આવી તે હકીકત છે. આ ઉપરાંત તેઓએ પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, શાળા તો બંધ કરી દીધી પણ હવે ત્યાં ભણતાં બાળકોએ ક્યાં જવાનું ? આ શાળામાં સાવ મજૂર વર્ગના બાળકો આવતા હતાં, એમણે હવે ક્યાં જવાનું ? આ ગરીબોની મજાક નથી ?
તેઓએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, 31-07- 2023 ના આંકડા પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં કુલ 5092 વિદ્યાર્થીઓ સામે સમિતિ પાસે માત્ર 36 જ કાયમી શિક્ષકો છે. વળી, આ 36 કાયમી શિક્ષકો 365 દિવસ તો હાજર નહી રહેતા હોય ? આમાંથી અમુક કાયમી શિક્ષકો રજા ઉપર હોય ત્યારે પરિસ્થિતિ શું થતી હશે ? સમિતિ દ્વારા શિક્ષકોની ભરતી કરવામા આવતી નથી તેથી વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્ન ઉભો થયો છે.