Get The App

સુરત શિક્ષણ સમિતનું બજેટ 1200 કરોડનું પણ કાયમી શાસનાધિકારી-ઉપશાસનાધિકારીનો દુષ્કાળ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતનું બજેટ 1200 કરોડનું પણ કાયમી શાસનાધિકારી-ઉપશાસનાધિકારીનો દુષ્કાળ 1 - image


Surat Corporation : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ અને રિવાઈઝ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમા રિવાઈઝ બજેટ એક હજાર કરોડ અને ડ્રાફ્ટ બજેટ 1200 કરોડની આસપાસનું છે. જોકે, શાસકો અને પાલિકા તંત્ર પાસે ગરીબ બાળકોના ભવિષ્ય માટે દીર્ઘદ્રષ્ટિ ન હોવાથી આટલું અધધ બજેટ છતાં પણ શિક્ષણ સમિતિમાં કાયમી શાસનાધિકારી અને ઉપ શાસનાધિકારીની જગ્યા ખાલી છે. આ વર્ષે બજેટની બોર્ડ દરમિયાન સમિતિના સભ્યોએ ટુંક સમયમાં શાસનાધિકારીની જગ્યા ભરી દેવામાં આવશે તેવો દાવો કર્યો હતો જે ગત વર્ષે પણ કર્યો હતો તેમ છતાં આ જગ્યા હજી પણ ભરવામાં આવી નથી. 

સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ થઈ ગઈ છે અને 1200 કરોડનું બજેટ થઈ ગયું છે. તેમ છતાં શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી અને કાયમી ઉપશાસનાધિકારીનો દુષ્કાળ છે. ભાજપ શાસકોમાં ચાલતા આંતરિક રાજકારણના કારણે લાંબા સમયથી કાયમી શાસનાધિકારીની જગ્યા હજી કરવામાં આવી નથી આવી જ રીતે ઉપશાસનાધિકારીની જગ્યા પણ ભરવામાં આવી નથી. તેના સામે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1.70 લાખ વિદ્યાર્થીઓ છે અને વહિવટ માટે 1 કાયમી શાસનાધિકારી, બે નાયબ શાસનાધિકારી અને 14 ઉપશાસનાધિકારી કામ કરે છે. સુરત પાલિકાના શાસકોમાં દીર્ઘ દ્રષ્ટિનો અભાવ હોવાથી શિક્ષણ સમિતિનો વહીવટ ખાડે જઈ રહ્યો છે. 

છેલ્લા કેટલાક સમયથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો છે, પરંતુ ભાજપ શાસકો કે સુરત પાલિકા અમદાવાદ શિક્ષણ સમિતિની પેર્ટન અપનાવે તો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણનું સ્તર વધુ સારું થાય અને લાખો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ ખાટલે મોટી ખોડ હોય તેમ શિક્ષણ સમિતિના વહીવટી માળખામાં અનેક છીંડા જોવા મળી રહ્યાં છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1.70 લાખ વિદ્યાર્થીઓ છે અને 459 શાળાઓ છે. તેમાં 3900 શિક્ષકો અને 200 આચાર્ય મળીને કુલ 4100 શિક્ષકો છે. જેમાં ઝોન પ્રમાણે ઉપશાસનાધિકારી છે અને તેઓને જુદા-જુદા વિભાગોની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 16 નિરીક્ષકો છે. જેના કારણે શિક્ષણ સમિતિનો વહીવટ સરળતાથી ચાલી રહ્યો છે. બીજી તરફ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક સ્કૂલ ખાનગી સ્કૂલોને ટક્કર આપી રહી છે અને કેટલાક શિક્ષકો સારી કામગીરી કરી રહ્યાં હોવાથી ખાનગી શાળામાંથી પાલિકાની શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ અગ્રેસર રહે છે તેમ છતાં પણ શિક્ષણ સમિતિનું વહિવટી તંત્ર તદ્દન નબળું છે. અમદાવાદ સામે સુરત શિક્ષણ સમિતિનું વહીવટી માળખું પાંગળું જોવા મળી રહ્યું છે. સુરત શિક્ષણ સમિતિ પાસે એક શાસનાધિકારી અને એક ઉપશાસનાધિકારી છે તે પણ  ઈનચાર્જ છે. અને નિરીક્ષકો પણ માત્ર 7 જ છે. આ ઉપરાંત સમિતિના કર્મચારીઓ પણ ઓછા છે અને તેમની કાર્યક્ષમતા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

જો અમદાવાદની જેમ સુરત શિક્ષણ સમિતિનું માળખું પણ મજબુત બનાવે છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી બની શકે છે. પરંતુ ભાજપના આંતરિક જૂથવાદ અને શાસકોની અનિર્ણાયકતાના કારણે શિક્ષણ સમિતિ વહીવટ દિવસેને દિવસે કથળી રહ્યો છે. 


Google NewsGoogle News