સુરત જિલ્લામાં મોસમનો 89 ટકા વરસાદ થયો : ચાર તાલુકામાં તો 100 ટકાથી વધુ
- બે મહિનામાં 51.84 ઇંચ વરસાદ : ગત વર્ષની સરખામણીમાં 11.52 ઇંચ વધુ : સૌથી વધુ ઉમરપાડામાં 76 ઇંચ, ઓછો ચોર્યાસીમાં 28 ઇંચ
સુરત
સુરત જિલ્લામાં આ વર્ષે ચોમાસાની ઋતુ સારી રહેતા અત્યાર સુધીના બે મહિનામાં મોસમનો કુલ ૫૧.૮૪ ઇંચ એટલે કે ૮૯ ટકા વરસાદ થઇ ગયો છે. ચાર તાલુકા બારડોલી, મહુવા, પલસાણા અને ઉમરપાડામાં તો સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસાની ઋતુ સારી હોવાનુ નિષ્ણાંતો જણાવે છે.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં સુરત જિલ્લાના માંગરોલમાં ૧ ઇંચ, ઓલપાડ અને ઉમરપાડામાં પોણો ઇંચ વરસાદી પાણી પડયું હતુ. આજે દિવસના મેઘરાજાએ વિરામ લીધો હતો.
દરમિયાન ચોમાસાની સિઝન જુન મહિનામાં શરૃ થયા બાદ છેલ્લા બે મહિનામાં સુરત જિલ્લાનો મોસમનો કુલ ૫૧.૮૪ ઇંચ અને ૮૯ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૭૬.૩૨ ઇંચ અને સૌથી ઓછો ચોર્યાસી તાલુકામાં ૨૮.૭૬ ઇંચ વરસ્યો છે. ગત વર્ષ ૨૦૨૩માં આજના દિવસના વરસાદની ગણતરી કરીએ તો ૪૦.૩૨ ઇંચ અને ૬૯ ટકા વરસાદ નોંધાયો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૧૧.૫૨ ઇંચ અને ૨૦ ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં પલસાણામાં ૧૨૦.૯૪ ટકા, મહુવામાં ૧૦૧.૬૯ ટકા, ઉમરપાડામાં ૧૦૨ ટકા અને બારડોલીમાં ૧૦૦.૬૬ ટકા વરસાદ તો બે મહિનામાં જ વરસી ગયો છે.
તાલુકો વરસાદ(ઇંચ) ટકા
પલસાણા ૭૦.૯૨ ૧૨૦.૯૪
મહુવા ૬૫.૨ ૧૦૧.૬૯
ઉમરપાડા ૭૬.૩૨ ૧૦૨.૦૦
બારડોલી ૬૧.૨૪ ૧૦૦.૬૬
કામરેજ ૫૩.૪૪ ૯૨.૨૬
સુરત
શહેર ૫૦.૫૨ ૮૮.૬૯
ઓલપાડ ૪૦.૦૪ ૯૫.૬૦
માંગરોળ ૩૮.૧૨ ૬૭.૪૯
માંડવી ૩૩.૬ ૫૫.૧૧
ચોર્યાસી ૨૮.૭૬ ૫૩.૧૩