સુરત ડે. મેયરની ટિંગાટોળીનો વિવાદ, ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેમને પગમાં ઇન્ફેક્શન હતું

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
સુરત ડે. મેયરની ટિંગાટોળીનો વિવાદ, ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેમને પગમાં ઇન્ફેક્શન હતું 1 - image


Surat Deputy Mayor Photo Viral: ગુજરાતભરમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં તો ભારે તારાજી થઈ છે. ત્યારે શહેરમાં અધિકારી સાથે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પૂરગ્રસ્ત વિસ્તારોનું આકલન કરવા નીકળ્યા હતા. જો કે તેમની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓને ફાયર ઓફિસરે કાદવ કીચડથી બચાવવા માટે ખભા પર ઉઠાવી લીધા છે. જો કે આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા પછી ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરી છે. 

તસવીરને લઈને વિવાદ ઉભો થયો હતો

સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ જ્યારે ઘણાં વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી મેયર એક સ્થળે પહોંચ્યા, તો ત્યાં ફૂટપાથ અને રસ્તા વચ્ચે 2 ફૂટ જેટલો કાદવ હતો. આ કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ચઢીને રોડના બીજા છેડે પહોંચ્યા. સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આ કામ કર્યું હતું. જો કે ભારે વિવાદ થયા બાદ હવે ફાયર ઓફિસરે જ આ તસવીરને લઈને સ્પષ્ટતા કરી છે. 

શું કહ્યું ફાયર ઓફિસરે?

ફાયર ઓફિસરના જણાવ્યાનુસાર ‘ડેપ્યુટી મેયરને પગમાં ઈન્ફેક્શન હોવાના કારણે મેં તેમને (નરેન્દ્ર પાટીલ) ખભે ઉંચક્યા હતા. જ્યાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યાં ખૂબ જ કાદવ-કીચડ હતો. એ સ્થિતિમાં તેમનું ઈન્ફેક્શન વધી શકે એમ હતું.’

ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં મોટા ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં વરસાદ આફત બનીને વરસ્યો છે, જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે.

સુરત ડે. મેયરની ટિંગાટોળીનો વિવાદ, ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેમને પગમાં ઇન્ફેક્શન હતું 2 - image


Google NewsGoogle News