દેશના સૌથી સ્વચ્છ શહેર સુરતમાં લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમાની આસપાસ સફાઈનો અભાવ, ગંદકીના ઢગ
Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામની જાહેરાત સાથે જ સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થઈ ગયું હતું. હવે સરકારે કરેલા નિર્ણયના કારણે સુરત અને ઈન્દોર સહિત સ્વચ્છ ભારત સર્વેક્ષણના બદલે સુપર સ્વચ્છ લીગમાં ભાગ લેશે. પરંતુ બીજી તરફ શહેરમાં મૂકવામાં આવેલી કેટલીક મહાનુભવોની પ્રતિમાની સફાઈ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરતના સ્ટેશન વિસ્તારમાં લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમાની સફાઈ સામે પ્રશ્નો ઉભા થયા છે. સરદાર પટેલની પ્રતિમાની આસપાસ સફાઈનો અભાવ, ગંદકીના ઢગ છે અને દારૂની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સફાઈ અભિયાન ચલાવી રહી છે અને શહેરના અનેક વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી રહી છે. ત્યારે સુરત પાલિકાના સફાઈ અભિયાનમાં દીવા તળે અંધારું હોવાની કહેવત જેવો ઘાટ ઉભો થયો છે. સુરત પાલિકા વિસ્તારમાં પ્રસ્થાપિત કરેલી મહાનુભવોની પ્રતિમાની આસપાસ સફાઈ સામે કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે. શિક્ષણ સમિતિના માજી સભ્ય સુરેશ સુહાગીયા કહે છે, સુરતની શાન કહેવાતા સુરત રેલ્વે સ્ટેશનની સામે આવેલી સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે દારૂની બોટલો પડેલી છે ફુવારો બંધ છે કોઈપણ જાતની સાફ-સફાઈ કરવામાં નથી. એક બાજુ સુરતને સ્વચ્છતામાં નંબર વન બનાવવાની વાત કરવામાં આવે છે બીજી બાજુ તેનાથી વિપરીત મહાપુરુષોની પ્રતિમાની આજુબાજુમાં ગંદકીથી ખદબદતા વિસ્તાર જોવા મળે છે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર વન બનશે ? આવા પ્રશ્નો સાથે તેઓએ મહાપુરુષોની પ્રતિમાની આસપાસ સફાઈની કામગીરી સઘન બનાવવા માંગણી કરી હતી.