Get The App

સુરત પાલિકાએ બે દિવસમાં 26 ગેરકાયદે ગટરના જોડાણ ઝડપી પાડ્યા : સામાન્ય ફરિયાદમાં પણ લેખિત જવાબ આપવાનું શરૂ કરાયું

Updated: Feb 14th, 2025

GS TEAM


Google News
Google News
સુરત પાલિકાએ બે દિવસમાં 26 ગેરકાયદે ગટરના જોડાણ ઝડપી પાડ્યા : સામાન્ય ફરિયાદમાં પણ લેખિત જવાબ આપવાનું શરૂ કરાયું 1 - image


Surat Corporation : સુરતના વરીયાવ-અમરોલી રોડ પર બુધવારી બજાર બહાર ખુલ્લી સ્ટ્રોમ ડ્રેઈનમાં બાળકનું પડી જતાં મોત થયાં બાદ પાલિકાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પાલિકા તંત્ર અચાનક એક્શનમાં આવી ગયું છે અને સુરત પાલિકામાં રોજ ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધીને બંધ કરી રહી છે. જોકે, આ પહેલાં સુરતમાં ગટરીયા પૂર આવ્યા હતા ત્યારે સુરતના પ્રથમ નાગરિક એવા મેયરે શહેરમાં વરસાદી ગટરમાં ગેરકાયદે ગટર જોડાણ દૂર કરવા નોંધ મૂકી હતી. ત્યારબાદ સ્થાયી અધ્યક્ષ અને ગટર સમિતિ અધ્યક્ષે પણ નોંધ મૂકી હતી. જોકે, પાલિકાએ કામગીરીના બદલે બહાના આગળ કર્યા હતા. પરંતુ હવે પોલીસ ફરિયાદ થતાં શહેરમાંથી એક બાદ એક સંખ્યાબંધ ગેરકાયદે જોડાણ મળી રહ્યાં છે તે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. 

સુરત પાલિકામાં કોઈ દુર્ઘટના બને ત્યારબાદ જ પાલિકાના અધિકારી-કર્મચારીઓ એક્શનમાં આવી કામગીરી કરતા હોવાનું વધુ એકવાર સાબિત થઈ ગયું છે. સુરત પાલિાકના રાંદેર ઝોનમાં અમરોલી રોડ પર વરસાદની ખુલ્લી ગટરમાં માતાથી દુર ગયેલું બાળક પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મુદ્દે ભારે હોબાળો થતાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં માનવવધનો ગુનો પણ દાખલ કરાયો છે. આવા ગંભીર ગુનો નોંધવા સામે યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પાલિકાના તમામ ઝોન દ્વારા વરસાદી ગટરમાં ગેરકાયદે ગટરના જોડાણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

સુરત પાલિકાએ ગઈકાલે 11 ગેરકાયદે જોડાણ ઝડપી પાડ્યા હતા. તો આજે વધુ 15 ગેરકાયદે જોડાણ ઝડપીને દુર કરવામા આવ્યા છે. જો પાલિકા આમ જ કામગીરી કરે તો દરેક ઝોનમાં સેંકડો ગેરકાયદે જોડાણ મળી આવે તેમ છે. જોકે, પાલિકાની આ નબળી કામગીરીને કારણે સુરત પાલિકાના કતારગામ, સેન્ટ્રલ ઝોન અને રાંદેરમાં વગર વરસાદે પણ ગટરીયા પૂર આવ્યા છે તેમ છતાં આ જોડાણ દુર કરવામાં આવતા ન હતી. 

સુરતમાં ગટરીયા પૂર બાદ મેયર દક્ષેશ માવાણીએ ઓગસ્ટ મહિનામાં વરસાદી ગટરમાં ગટરના જોડાણ શોધીને દુર કરવાની નોંધ મુકી હતી. ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પણ આ પ્રકારની નોંધ મુકી છે સાથે સાથે ઉધના ઝોનમાં કેમિકલવાળું પાણી પ્રકરણમાં ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલાએ પણ નોંધ મૂકી હતી. સુરત પાલિકાના ત્રણ મહત્વના પદાધિકારીઓ દ્વારા નોંધ મૂકવામાં આવી હતી પરંતુ પાલિકાએ કામગીરી કરવાના બદલે બહાના આગળ કર્યા હતા. પરંતુ હવે પોલીસ ફરિયાદ નોંધાતા એક બાદ એક ગટરના ગેરકાયદે જોડાણ ઝડપાઈ રહ્યાં છે. જો પાલિકા તમામ ગેરકાયદે જોડાણ દુર નહી કરે તો ફરી ચોમાસમાં ગટરીયા પુર આવે તે શક્યતા નકારી શકાતી નથી. 

આ ઉપરાંત હાલમાં સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયા નજીક નગર શેઠની પોળ પાસે એક દુકાન બહાર લોખંડનું ડ્રેનેજનું ઢાંકણું તૂટેલું હતું તેની દુકાનદારે ફરિયાદ કરી હતી. તો પાલિકાએ દુકાનદારોને લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં જણાવ્યું છે કે, અકસ્માત થાય તેવું ઢાંકણું રીપેર કરવા માટે ફરિયાદ આપી હતી તે માટે રીપેરીંગ કામગીરી પૂરી કરી દેવામાં આવી છે તેવો જવાબ પણ આપવામાં આવ્યો છે. અમરોલી રોડ પર બાળકીનું ડ્રનેજમાં પડી જવાથી મોત થયા પહેલા પાલિકા માટે ડ્રેનેજની સમસ્યા સામાન્ય ગણાતી હતી અને ગણકારવામાં પણ આવતી ન હતી. માત્ર પ્રજા જ નહીં પરંતુ સુરતના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડ્રેનેજ કમિટીના અધ્યક્ષની નોંધ બાદ પણ કામગીરી થઈ ન હતી પરંતુ હવે સામાન્ય લોકોની ફરિયાદનો પણ જવાબ આપવામાં આવી રહ્યો છે.

Tags :