સુરતમાં હેલ્મેટ માટે આજથી 45 દિવસ માટે પાલિકા-પોલીસ સાથે મળીને જાગૃતિ અભિયાન કરશે
Surat Traffic Drive : રાજ્યના ગૃહમંત્રીએ મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, સહિત વિવિધ અધિકારીઓ સાથે સુરતમાં બેઠક કરી હતી. આ બેઠક બાદ સુરત પાલિકાએ મંગળવારથી 45 દિવસ સુધી પોલીસ સાથે મળીને હેલ્મેટ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે નિર્ણય કર્યો છે. સુરત પાલિકા કમિશનર ખુદ કર્મચારીઓ સાથે અભિયાનમાં જોડાશે અને પાલિકા, શિક્ષણ સમિતિ સહિત પાલિકાના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ પહેરવા માટે ફરજિયાત બનાવાશે.
ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના સર્કિટ હાઉસ ખાતે એક બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી 45 દિવસ સુધી રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવા માટે સુચના આપવામાં આવી છે. આ બેઠક બાદ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપતાં કહ્યું હતું કે, હાલ જે રીતે અકસ્માત થઈ રહ્યાં છે તેના કારણે હેલ્મેટ ફરજીયાત છે અને તેના કારણે લોકોના જીવ બચી શકે છે. ગૃહમંત્રી દ્વારા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે તેથી મંગળવારથી તેનો અમલ પાલિકા પોલીસ સાથે મળીને કરશે.
મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 45 દિવસ માટે લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવશે. આ સાથે સાથે સુરત પાલિકા, શિક્ષણ સમિતિ તથા પાલિકાના વિવિધ વિભાગો સહિત પાલિકાના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવશે. પાલિકાના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે અને તેઓ ન પહેરે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનમાં સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ખુદ જોડાશે.
આ સાથે સાથે સુરત પાલિકા વિસ્તારમાં આવતી કંપનીઓ, સંસ્થાના કર્મચારીઓ પણ હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ ફરજિયાત કરે તે માટે જાગૃતિ અભિયાન કરવામાં આવશે. આ 45 દિવસમાં કોઈ દંડનીય કાર્યવાહી કરાશે નહીં પરંતુ જો 45 દિવસ બાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
સ્વચ્છતામાં અગ્રેસર સુરતને પાન-માવા ખાઈને બગાડનારા સામે વિશેષ ડ્રાઇવ થશે
સુરત શહેરમાં દિવાળી પહેલા સુરત પાલિકા શહેરની સુંદરતા વધારવા માટે શહેરના અનેક ફ્લાયઓવર બ્રિજની દિવાલ પર પેઈન્ટીંગ કરી રહી છે. ફ્લાય ઓવર બ્રિજ પર એક તરફ વિવિધ કલરોથી પેઈન્ટીંગ થઈ રહી છે તે પુરી થાય તે પહેલા જ કેટલાક સુરતીઓ પાન-માવા અને ગુટખાની પિચકારી આ પેઈન્ટીંગ પર મારી અને દિવાલને ગંદી કરી રહ્યાં છે. કેટલાક સુરતીઓના કારણે તમામ સુરતીઓના પરસેવાની કમાણીના વેરામાંથી થતી પેઈન્ટીંગ બગડી રહી છે જોકે, આજે મળેલી બેઠકમાં આવા લોકોને ઝડપી કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં સફાઈ ઝુંબેશ સાથે સાથે શહેરની સુંદરતામાં વધારો કરવા બ્યુટીફીકેશનની કામગીરી કરી રહી છે. સિટી બ્યુટિફિકેશન હેઠળ શહેરની સુંદરતામાં વધારો થાય તે માટેના તમામ પ્રયાસ પાલિકાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાર્લે પોઇન્ટ ફલાય ઓવરબ્રિજ પર ફલાવર પોટ લગાડયા બાદ ઉધના ચાર રસ્તા પરના ફલાય ઓવરબ્રિજના ઉપરના ભાગે ડિવાઇડર ઝીબ્રા કલર કરવાને બદલે રંગબેરંગી કલરથી સુશોભન કરાયા છે પાલિકાની આવી કામગીરી વચ્ચે પણ કેટલાક સુરતીઓ આ સુંદરતાને બગાડવાનું કામ કરી રહ્યાં છે. આ ધ્યાને આવતા આ મુદ્દો બેઠકમાં સમાવાયો હતો. અને સુરતના રોડ-રસ્તા સહિત બ્રિજ પર પાન-માવા ખાઈને થુંકનારાના ફોટા સહિતની વિગતો સુરત પાલિકા પાસેથી મેળવી પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.