સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ
Surat Student Farewell : બોર્ડની પરીક્ષા અતિ મહત્ત્વની હોવાથી વિદ્યાર્થીઓ યાદગીરી માટે ફેરવેલ ઉજવતા હોય છે. ત્યારે રવિવારે ગાંધીધામનાં શિણાય - આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લકઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢીને ઉજવણી કરતા વિવાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં થયેલી રીલમાં જહાંગીરપુરાના ડી માર્ટથી છેક ઓલપાડના નરથાનની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફમાંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા તેમના હાથમાં ટોયગન પણ હતી. આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની આ રેલીને લઈને વિવાદ થવાના એંધાણ છે.
આ પણ વાંચો: ગાંધીધામમાં ધોરણ 12ના 15 નબીરાએ મચાવી ધમાલ, છ કાર છ કિમી દોડાવી સ્ટંટ, એરગન લહેરાવી
આ આયોજન અમારું ન હતું: સ્કૂલના સંચાલકો
સ્કૂલ સંચાલકો ના જણાવ્યા મુજબ આ રીતે સ્ટાઈલમાં રેલી કાઢવાનું અમારું આયોજન ન હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજુરી વગર ગાડીઓ લાવીને રેલી કાઢી છે, અમે તો બસ મોકલી હતી પરતું કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. કારના કાફલાને કેમ્પસમાં પ્રવેશવા દીધી ન હતી.
ટ્રાફિક નિયમોનો ભંગ થયો હશે તો કાર્યવાહી થશે: પોલીસ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રેલી બાબતે અમારી પાસે કોઈ મંજૂરી લેવાઈ નથી. જો રેલી દરમિયાન ટ્રાફિક કે વાહન વ્યવહારને લઈને કોઈ ભેગ થયો હશે તો જરૂરથી કાર્યવાહી કરાશે. આથી પોલીસ મંજૂરીને લઈને પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.