ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી, નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી : શક્તિસિંહનો મોટો આક્ષેપ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી, નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી : શક્તિસિંહનો મોટો આક્ષેપ 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ (Congress)ને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પરના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરાયું છે. જેને લઈને ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠકો પર જ ચૂંટણી લડશે. પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરતથી ચૂંટણી નહીં લડી શકે. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર સૌથી મોટો આક્ષેપ કર્યો છે.

સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલશ કુંભાણીની ઉમેદવાર રદ થવા અંગે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી. નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. સામાજિક રીતે હેરાન કરાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.'

શક્તિસિંહે ભૂતકાળનો દાખલો ટાંકિને કહ્યું હતું કે, '2012ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત પૂર્વમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે આપેલો નિર્ણય અને હાલમાં આપેલ નિર્ણય બન્ને અલગ અલગ છે. એક જ બાબતે બે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ નિર્ણય કેવી રીતે હોઈ શકે. ચૂંટણી પંચને વિનંતી કરું છું કે નિષ્પક્ષ ચૂંટણી કરાવો.'

શક્તિસિંહે કહ્યું હતું કે, 'ફોર્મમાં અને અરજીમાં કરાયેલ ટેકેદારની સહીને FSLમાં મોકલીને તેની સત્યતા ચકાસવી જોઈએ. બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિઓની છે કે કેમ તે પણ ચકાસવું જોઈએ. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં જશે. ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે.'

શક્તિસિંહે વધુમાં કહ્યું કે, 'ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. આયાતી ઉમેદવારોના કારણે ભાજપના કાર્યકરો નારાજ છે. ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોને બદલવાની ભાજપને ફરજ પડી છે. ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. સુરતમાં ભાજપને હારવાનો ડર હતો. યુવા ઉમેદવાર નિલેશ કુંભાણી જીતવાના હતા.'

શું છે સમગ્ર મામલો?

સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઈકાલે (શનિવાર) ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી શરૂ કરાઈ હતી. ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારની સહી ખોટી છે, આ સાથે તેમના ડમી ઉમેદવારના ટેકેદારની સહીઓ પણ ખોટી છે. જોકે ત્યારબાદ ટેકેદારોએ પણ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું હતું. પછી તમામ ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને લઈને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ફોર્મ રદ કરવું કે નહીં તે અંગે શો-કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણી અને તેના વકીલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન કોંગ્રેસે વધુ એક દિવસનો સમય માંગ્યો હતો, જેથી ચૂંટણી અધિકારીએ આજે (રવિવાર) સુનાવણી કરી હતી. જે દરમિયાન ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે. બીજી તરફ આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે. 

નિલેશ કુંભાણીના ટેકેદાર : 1. જગદીશ સાવલિયા (બનેવી), 2. ધ્રુવીન ધામેલીયા(ભાગીદાર), 3. રમેશ પોલરા (ભાગીદાર)

ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના ટેકેદાર : 1. ભૌતિક કોલડીયા (કુંભાણીનો ભાણિયો)


Google NewsGoogle News