વરાછાના રહેણાંક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામની ફરિયાદ છતાં કોઈ પગલાં નથી ભરાતા

- ગેરકાયદે બાંધકામ માં પાલિકા નોટિસ આપી, પ્રતિકાત્મક ડિમોલીશન કરી કામગીરી બતાવે છે

- શાસક પક્ષના કોર્પોરેટરે મ્યુનિ. કમિશ્નરને ત્રણ પત્ર લખ્યા પણ વરાછા ઝોને નોટીસ આપી ડિમોલીશન કર્યાની વિગત રજુ કરી, સ્થળ પર હજી પણ બાંધકામ થતાં સ્થાનિકોની હાલત કફોડી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
વરાછાના રહેણાંક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામની ફરિયાદ છતાં કોઈ પગલાં નથી ભરાતા 1 - image


સુરત, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ થતું હોવાની અનેક લોકોની ફરિયાદ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. સ્થાનિકો તો ઠીક પરંતુ ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા એક બે નહી પરંતુ ત્રણ ત્રણ પત્ર લખાયા બાદ પણ ગેરકાયદે બાંધકામ તુટવાના બદલે વધી રહ્યું છે. તો બીજી તરફ પાલિકાના ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ડિમોલીશન થઈ ગયું છે તેવા રિપોર્ટ પાલિકા કમિશનર સમક્ષ રજુ કરવામા આવે છે. આમ અધિકારી, રાજકારણીઓ અને વચેટિયાની મીલી ભગત માં શહેરમાં જીવતા બોમ્બ જેવા ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે તે લોકો માટે જોખમી છે. 

સુરત પાલિકાના ઉધના ઝોનમાં ગઈકાલે ગેરકાયદે ચાલતા બાંધકામનો શેડ તુટી પડ્યો અને તેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ ઉધના સહિત તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ ની ફરિયાદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુરત પાલિકાના ઝોનના અધિકારીઓ- રાજકારણી અને વચેટિયાની સાથે સાંઠગાંઠ કરીને બેફામ રીતે ગેરકાયદે બાંધકામ ને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ગઈકાલે જે રીતે ઉધનામાં ગેરકાયદે બાંધકામ દરમિયાન દુર્ઘટના થઈ હતી તેવી જ દુર્ઘટના વરાછા ઝોનમાં પણ થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવે છે. 

પાલિકાના વરાછા ઝોનમાં  પુણાગામના TP-17 ( પૂણા ) ના બ્લોક નં.43 ફાઈનલ પ્લોટ નં 43, કે જે મીજે પૂણાગામના રેસિડેન્ટ ઝોન વિસ્તાર છે.  આ જગ્યાની આજુબાજુમાં લોકોના રહેણાંક મકાનો આવેલા છે. આ બધાની વચ્ચે પ્લાન વિરુધ્ધ કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ ચાલુ કરવામાં બાવેલ છે તો આજુબાજુમાં રહેતા લોકો અને સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ઈન્ડસ્ટ્રીયલ મશીનોના અવાજ તેમજ આ વિસ્તારમાં માલ - સામાનની અવર જવર મોટા મોટા વાહનોના કારણે શારીરિક તેમજ માનસિક પરેશાની થઈ રહી છે. 

વરાછાના રહેણાંક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામની ફરિયાદ છતાં કોઈ પગલાં નથી ભરાતા 2 - image

આ શાંત વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ આવવાથી રહેણાંક વિસ્તારમાં બીજા પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થશે જે હકીકત ધ્યાને લઈ ઉપરોક્ત દર્શાવેલ બ્લોક નંબર અને ફાઇનલ પ્લોટ નંબર આપવામાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ પરવાનગી રદ કરવા સ્થાનિકો સાથે ચુંટાયેલા પ્રતિનિધિએ પણ માંગણી કરતો પત્ર મ્યુનિ. કમિશ્નરને લખ્યો છે. TP-17 ( પૂણા ) ના બ્લોક નં.43 ફાઈનલ પ્લોટ નં. 43, કે જે પ્લાન વિરુદ્ધ બાંધકામ હોવાથી આ ઈન્ડસ્ટ્રીયલ ડિમોલેશન કર્યા પછી પણ ગેરકાયદે બાંધકામ જોરમાં થઈ રહ્યું છે. 

વરાછાના રહેણાંક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ બાંધકામની ફરિયાદ છતાં કોઈ પગલાં નથી ભરાતા 3 - image

આ ગેરકાયદે બાંધકામ રહેણાંક વિસ્તારમાં થતું હોય ઉધના જેવી જ દુર્ઘટના થાય અને સ્થાનિક નિર્દોષ લોકો જીવ ગુમાવે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકો સાથે ચુંટાયેલા પ્રતિનિધિ ત્રણ ત્રણ પત્ર લખતા હોવા છતાં ગેરકાયદે બાંધકામ અટકી રહ્યું ન હોવાથી લોકોનો ડર વધી રહ્યો છે. આવી સ્થિતિને કારણે શાસક પક્ષના એક  સ્થાનિક કોર્પોરેટરે લોકો સાથે મળીને  મળીને આંદોલન કરવા માટેની ચીમકી આપી છે.


Google NewsGoogle News