ભરૃચમાં હત્યા કેસમાં સુરત સિવિલના ફોરેન્સિક ડોક્ટરની ઓનલાઈન જુબાની લેવાઇ
- ન્યાયિક કાર્યવાહીમાં ઓનલાઇન સુવિધાથી સિવિલના ડૉકટરોને રાહત
- ઓનલાઇન
પ્રોસેસથી ડોકટરનો આખો દિવસ બચ્યો,
ફરજ પણ બજાવી શક્યા અને દર્દીની સારવારમાં વિક્ષેપ પણ પડયો નહી
સુરત :
સુરત
નવી સિવિલ હોસ્પિટલમાં આવતા ઘણા એમએલસી કે પોસ્ટમોર્ટમ કેસમાં ડોક્ટરો દ્વારા કોર્ટમાં
જઈ જુબાની આપવામાં આવે છે. જ્યારે ભરૃચમાં થયેલી હત્યાના કેસમાં ભરૃચ જિલ્લા કોર્ટમાં
આજે સુરત નવી સિવિલના ફોરેન્સિક ડોક્ટરની ઓનલાઇન જુબાની લેવાઇ હતી. જેના લીધે ડોક્ટરનો આવવા જવાનો સમય બચી ગયો હતો
અને અહી ફરજ પણ બજાવી શકયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભરૃચ ખાતે વર્ષ ૨૦૨૦માં યુવાનની હત્યા થઈ હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તેનો મૃતદેહ સુરત નવી સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. દરમિયાન થોડા માસ પહેલા આ હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર સિવિલના ફોરેન્સિક વિભાગના ડો. ચંદ્રેશ ટેલર ભરૃચ જિલ્લા કોર્ટમાં હાજર થવા સમન્સ મળ્યો હતો. પણ તે દિવસે મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી જઇ શકે તેમ ન હોવાથી મુદત માંગી હતી. જોકે, તેમને કહેવાયું કે, ભરુચ કોર્ટમાં રૃબરુ હાજર થવાની જરુર નથી, ઓનલાઇન જુબાની પણ આપી શકાશે.
ત્યારબાદ આજે સવારે તે ફરજ પર આવ્યા ત્યારે ઓનલાઇન જુબાની લેવાઇ હતી. દોઢેક કલાકમાં કાર્યવાહી પુર્ણ થઇ હતી. જેથી તેમનો આખો દિવસ બચી ગયો હતો. અને ફરજ પણ બજાવી શક્યા હતા. દરમિયાન તાજેતરમાં ફોરેન્સિક વિભાગના અન્ય ડોકટર પ્રતિક પટેલે પણ રાજપીપળાની કોર્ટમાં ઓનલાઇન જુબાની આપી હતી.
સુરત શહેરની આજુબાજુના વિસ્તારમાં ભરૃચ, રાજપીપળા સહિતના વિસ્તારમાં કોટોમાં ઓનલાઇન જુબાની અપાય છે. તેના લીધે ડોક્ટરોને ખૂબ મોટી રાહત થઇ છે. સમયની બચત થાય છે. તે જ પ્રમાણે સુરત સહિત શહેરોની કોર્ટમાં પણ ઓનલાઇન જુબાની અંગેની સુવિધા શરૃ થાય તો નવી સિવિલના તમામ વિભાગોના ડોકટરોના સમય-શક્તિની બચત થશે. અને દર્દીઓની સારવારમાં વિક્ષેપ પડશે નહી એમ સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ હતું.