સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી દીધી
Surat City Bus Accident : સુરતના પાલનપોર ઉગત કેનાલ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર વિનાની સીટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ રોડ પર સીટી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દેતાં પાછળથી પુર ઝડપે આવતા ડમ્પરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્રતિબંધના સમયે આ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને મોટા વાહનો અને નંબર પ્લેટ વિનાની બસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતના વિવિધ વિસ્તારોમાં ડમ્પર અને મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડી રહી છે. આ ઉપરાંત હજી પણ પાલિકાની અનેક ખખડધજ સીટી બસ અને તે પણ પાછળના ભાગે નંબર પ્લેટ ન હોય તેવી બસ પણ શહેરમાં દોડી રહી છે. આ અંગેની અનેક ફરિયાદ છે પરંતુ કોઈ પગલાં ભરવામા આવતા નથી.
આજે સુરતના પાલનપોર-ઉગત કેનાલ રોડ પર 107 નંબરના રૂટ પર જીજે-05 બીઝેડ-0845 નંબરની બસ મુસાફરો લઈને જતી હતી. તે સમયે ઝુડીઓ નજીક ટ્રેક્ટર પસાર થતું હોય બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દીધી હતી. તેની પાછળથી પુરઝડપે આવતા ડમ્પરે બસને પાછળના ભાગે ધડાકા ભેર અથડાવી દીધી હતી. આ ટક્કર એટલી વધુ હતી કે મહિલા કંડકટરનું ટીકીટ મશીન પણ બહાર ફેંકાઈ ગયું હતુ અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને ઇજા નાની મોટી ઈજાઓ થઈ હતી.
જોકે, ડમ્પર અને ભારે વાહનો પર પ્રતિબંધ હોય તે સમયે પણ આ વિસ્તાર સાથે શહેરના અનેક વિસ્તારોમાં ડમ્પર પુર ઝડપે દોડે છે અને આવા અકસ્માત થઈ રહ્યાં છે.જોકે, આજે જે બસને અકસ્માત થયો હતો તે બસ ખખડધજ તો હતી જ પર પરંતુ બસની પાછળના ભાગે નંબર પ્લેટ પર હતી નથી. આવી નંબર પ્લેટ વિનાની અનેક બસો દોડી રહી છે. આ બસ કોઈને ટક્કર મારે તો પાછળ નંબર પ્લેટ ન હોવાથી બસ ની ઓળખ પણ થઈ શકે તેમ નથી. પાલિકાના સિટી લિન્કમાં આવી નંબર પ્લેટ વિનાની દોડતી બસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.