સુરત: પાલિકાની બેદરકારીના કારણે સીટી બસ સ્ટેન્ડ પર ગેરકાયદે જાહેરાતોની ભરમાળ
- પાલિકાને જાહેરાતની આવક વધારવા માટે ફાંફા પડે છે ત્યાં બીજી તરફ
- પાલિકાના સિટી બસ સ્ટેન્ડ પર જાહેરાતની એજન્સી મળતી નથી બીજી તરફ લોકો પોતાની ધંધાદારી જાહેરાત ચોંટાડી બસ સ્ટેન્ડ ગંદા કરી રહી છે
સુરત, તા. 07 જાન્યુઆરી 2024 રવિવાર
સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોયની આવક બંધ થયા બાદ પાલિકા આવકના અન્ય સ્ત્રોત ઉભા કરી રહી છે. મિલ્કત વેરા અને વિવિધ વેરા બાદ પાલિકા જાહેરાતોમાંથી પણ મોટી આવક મેળવી શકે છે. પાલિકા તંત્ર જાહેરાત થી થતી આવક વધારવા પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં ધારી સફળતા મળતી નથી. પાલિકાની બેદરકારી ના કારણે સીટી બસ સ્ટેન્ડ પર ગેરકાયદે જાહેરાતોની ભરમાળ જોવા મળી રહી છે. પાલિકાના સિટી બસ સ્ટેન્ડ પર જાહેરાતની એજન્સી મળતી નથી બીજી તરફ લોકો પોતાની ધંધાદારી જાહેરાત ચોંટાડી બસ સ્ટેન્ડ ગંદા કરી રહી છે જેના કારણે પાલિકાના બસ સ્ટેન્ડ ગંદા ગોબરા દેખાઈ રહ્યાં છે.
સુરત મહાનગરપાલિકાએ સામુહિક પરિવહન સેવા માં લોકોની સુવિધા માટે સીટી બસ સ્ટેન્ડ બનાવ્યા છે. પરંતુ અનેક જગ્યાએ પાલિકાએ બસ સ્ટેન્ડ બનાવ્યા બાદ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી પાલિકા તંત્ર સીટી બસ સ્ટેન્ડ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાથી કેટલાક લોકોએ પાલિકાના બસ સ્ટેન્ડને ગેરકાયદે રીતે જાહેરાત ચિટકાવીને પ્રચાર પ્રચાસ કરવાનું માધ્યમ બનાવી દીધું છે.
કેટલાક વિસ્તારમાં પાલિકાના બસ સ્ટેન્ડ માટે પાલિકાને જાહેરાતના હક્ક આપી દેવામા આવ્યા છે પરંતુ અનેક બસ સ્ટેન્ડ એવા છે જ્યાં જાહેરાતના હક્ક માટે કોઈ એજન્સી મળતી નથી. આવી સ્થિતિ બાદ પાલિકા તંત્રએ પણ બસ સ્ટેન્ડ સામે ઓછું ધ્યાન આપવાનું શરુ કરી દીધું છે. જેના કારણે કેટલાક ધંધાદારી લોકોએ પાલિકાના બસ સ્ટેન્ડ પર જાહેરાત ચિપકાવી દઈ બસ સ્ટેન્ડને ગંદા કરી સુરતની સ્વચ્છતા પર દાગ લગાવી રહ્યાં છે.
પાલિકાની મિલ્કતનો સૌથી વધુ દુરુપયોગ ધંધાદારી એકમો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ કરી રહ્યાં છે. તો બીજી તરફ ધાર્મિક સંસ્થાઓ પણ પાલિકાની મિલકત નો દુરુપયોગ કરીને ત્યાં ધાર્મિક કાર્યક્રમો ના બેનરકેપોસ્ટર લગાવી રહ્યાં છે. સુરત પાલિકાને હજી બસ સ્ટેન્ડ પર જાહેરાત માટે એજન્સી નથી મળતી તો બીજી તરફ કેટલાક લોકો પોતાની સંસ્થાના મોટા સ્ટીકર કે પ્લે કાર્ડ પાલિકાના બસ સ્ટેન્ડ પર લગાવી બસ સ્ટેન્ડની સુંદરતા ઘટાડી રહ્યા છે.
પાલિકા લાખો રૂપિયાના ખર્ચે ડિવાઈડર બનાવી રહી છે તેના પર પણ હાલ ગેરકાયદે જાહેરાતની ભરમાળ જોવા મળી રહી છે. પાલિકાના સ્ટ્રીટ લાઈટ પોલ સૌથી સંવેદનશીલ છે આ જગ્યાએ કોઈ પ્રકારની જાહેરાત ચોટાડવાની મનાઈ છે તેમ છતાં હાલ શહેરમાં અનેક લાઈટ પોલ પર જાહેરાતના નાના મોટા હાડિગ્સ જોવા મળી રહ્યાં છે. પાલિકાની આવકને ફટકો પહોંચાડનાર તથા ગેરકાયદે મુકેલા આવા હોર્ડિગ્સ ટ્રાફિક માટે પણ ન્યુસન્સ રૂપ બને છે. આવી સ્થિતિ છતાં હજી પણ પાલિકા તંત્ર દ્વારા આવા લોકો સામે કામગીરી કરી નથી. જેના કારણે પાલિકાની મિલકત પર ગેરકાયદે જાહેરાતોની ભરમાળ જોવા મળે છે અને તેના કારણે શહેરની સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે
પાલિકાના બસ સ્ટેન્ડ પર ગેરકાચદેસર જાહેરાત લગાવવામાં આવી રહી છે તેના પર અંકુશ કરવામાં આવે અને ત્યાં લોકોને માહિતી મળતી પાલિકાની વિવિધ યોજનાની જાહેરાત અથવા ધંધાદારી જાહેરાત માટે હક્ક ફાળવવામાં આવે તો પાલિકાની આવક ઉભી થવા સાથે સાથે બસ સ્ટેન્ડની સુંદરતામાં પણ વધારો થઈ શકે તેમ છે.