સુરતીલાલાઓની દિલદારી : સેવાભાવી સંસ્થાએ દિવાળી પહેલા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે કર્યું ગિફ્ટો અને કપડાંનું વિતરણ
Surat : દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસભેર ઉજવવા અને પોતાના પરિવારને ખુશ રાખીને ઉજવણી કરવી દરેકની મહેચ્છા હોય છે. પરંતુ હાલની આકરી મોંઘવારીમાં માંડ બે છેડા ભેગા કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે દિવાળીની ઉજવણી મુશ્કેલ બની રહી છે. જોકે, કેટલીક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતની એક સંસ્થાએ જરૂરિયાતમંદ લોકો દિવાળીની ખરીદી વિના મુલ્યે થાય તે માટે રવિવારે એક દિવસનો મોલ બનાવ્યો હતો. જેમાંથી વ્યકિતદીઠ 11 કપડાં તથા જરૂરિયાત મુજબ ઘર વખરીની ત્રણ વસ્તુઓ આપવામાં આવી હતી.
આર્થિક સંકડામણમાં જીવન ગુજારતા જરૂરીયાતમંદ પરિવારો માટે દિવાળીની ઉજવણી મુશ્કેલ બની રહી છે. પરંતુ સુરતીઓની સખાવતના કારણે જરૂરિયાતમંદ લોકોને પણ તહેવારની ઉજવણી કરી શકે છે. સ્વમાનભેર જીવતા આવા લોકોને દિવાળીમાં કોઈની પાસે હાથ લંબાવવો ન પડે તેમ છતાં સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટે સુરતની કરુણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા દ્વારા સુરતના અડાજણ વિસ્તારની એક વાડીમાં એક દિવસીય મોલ બનાવ્યો હતો. આ મોલમાં જરૂરિયાતમંદ પરિવારોને દિવાળીની ઉજવણી કરવા માટેની સામગ્રી આપવામાં આવી હતી.
આ મોલ અંગેની માહિતી આપતા સસ્તાના ધર્મેન્દ્ર શાહ કહે છે, આ પરિવારો પણ આપણા જ સમાજનો એક હિસ્સો છે. તેમણે પણ દિવાળીની યોગ્ય ઉજવણી કરવા મળે તે જરૂરી છે. આજના જમાનામાં કેટલાક લોકોને ત્યાં જરૂર કરતાં વધુ વસ્તુ હોય છે અને તેનો ઉપયોગ કરાતો નથી. આવા લોકો પાસેથી વસ્તુઓ સંસ્થા દ્વારા ભેગી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક લોકોએ અમારો અભિગમ જોઈને નવી વસ્તુઓ પણ મોલ માટે આપી હતી. જેમાં વાસણ, ક્રોકરી, ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણ, બુટ ચપ્પલ સાથે કપડાંનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ભેગી કરીને અડાજણની એક વાડીમાં એક દિવસનો મોલ બનાવવામાં આવ્યો હતો. આ મોલમાંથી જરુરિયાતમંદ- લોકોને વ્યકિતદીઠ 11 કપડા તથા જરૂરીયાત મુજબ કોઈપણ 3 વસ્તુ-ઘરવખરી આપવામાં આવી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો આ એક દિવસના મોલમાં ખરીદી કરવા માટે આવતા હતા તે લોકોને પહેલા લોચો અને પેંડા આપીને આવકારવામાં આવ્યા હતા અને તેઓને ત્યાર બાદ ખરીદી કરવામાં આવી હતી. આ એક દિવસના મોલમાં 27 સ્ટોલ બનાવવામા આવ્યા હતા અને લોકોને જે જોઈએ તે વસ્તુઓ આપવામાં આવી હતી. આવી ખરીદી બાદ તેઓની સારી રીતે દિવાળી ઉજવવાની આશા પુરી થઈ હતી. આમ સુરતની સંસ્થાએ જરૂરિયાત મંદ લોકોને દિવાળી પહેલાં વિના મુલ્યે દિવાળીની ખરીદી કરાવી તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી.