અમેરિકામાં સુરતના બિઝનેસમેનની ધરપકડ, પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદે હેરાફેરીના કેસમાં 53 વર્ષની જેલની શક્યતા
Bhavesh Patel arrested in US for trafficking banned chemical : સુરતમાં રહેતા 36 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલની અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે. તેના પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોને મોકલવામાં આવતા હતા.
દવાઓ પર ખોટા લેબલ લગાડી અમેરિકા મોકલતું કેમિકલ
એક અહેવાલ અનુસાર, સુરત સ્થિત રેક્સટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ પટેલની તપાસ કર્યા બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ બંને કંપનીઓ ફેન્ટાનીલ રસાયણોની ગેરકાયદેસર નિકાસ કરતી હતી. તેમણે કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા હતા.
મેક્સકોના ડ્રગ કાર્ટેલને મોકલવામાં આવતું હતું કેમિકલ
સ્થાનિક સરકારી વકીલે આરોપ લગાવ્યો છે કે, રૅક્સટર કેમિકલ્સે જૂન 2024માં ન્યૂયોર્કમાં વિટામિન સી સપ્લિમેન્ટ્સ હોવાનું એક કથિત શિપમેન્ટ મોકલ્યું હતું. આ સિવાય વધુ એક 23 નવેમ્બર, 2024 ના રોજ એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું. તેમાં 20 કિલો લિસ્ટ વન કેટેગરીનું કેમિકલ હતું. જેનો ઉપયોગ ફેન્ટાનીલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેક્સીકન ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. હકીકતમાં ફેન્ટાનીલ રસાયણ હેરોઇન ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ અને મોર્ફિન કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે.
53 વર્ષની જેલ થઈ શકે છે ભાવેશ પટેલને
ભાવેશ પટેલની ધરપકડ એક સ્ટિંગ ઓપરેશન બાદ કરવામાં આવી હતી. HSI એજન્ટે ગ્રાહક બનીને ઓક્ટોબર 2024માં પટેલને ઈમેલ અને વીડિયો કૉલ્સમાં કર્યા હતા. આ કોલ્સ દરમિયાન પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેના મેક્સીકન ગ્રાહકો તેની પ્રોડક્ટથી સંતુષ્ટ છે અને હવે તેઓ અમેરિકામાં 20 કિલો કેમિકલ મોકલવા માટે સંમત થયા છે. આ સિવાય પટેલે ફેબ્રુઆરી 2024માં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને કથિત રીતે 100 કિલો કેમિકલ મોકલ્યું હતું. જો ભાવેશ પટેલ દોષી સાબિત થશે તો તેને અમેરિકાના કાયદા અનુસાર 53 વર્ષની જેલ થઈ શકે છે.