"હું ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લેવું", સુરત BRTS બસમાં કન્ડક્ટર અને યુવક આમને-સામને : Viral Video
સુરત શહેરમાં દોડતી સિટી બસોમાં ડ્રાઈવર અને બસ કન્ડક્ટરો સાથેની માથાકૂટના કિસ્સાઓ જોવા મળતા હોય છે. ત્યારે તેવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુમૂલ ડેરી રોડ ઉપર સિટી બસના કન્ડક્ટર સાથે એક મુસાફર ઉગ્ર બોલચાલી કરી રોફ જમાવતો હોવાના વીડિયો સામે આવ્યો છે. જેમાં મુસાફરે કન્ડક્ટરનો કોલર પકડીને દાદાગીરી કરીને લાખો રૂપિયાની નોટના બંડલ બદતાવીને "હું ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લેવું" કહીને રોફ જમાવતો હતો.
'દરવાજે કેમ ઉભો છે', યુવકે કન્ડક્ટરનો કોલર પકડી રોફ બતાવ્યો
સુરત રેલવે સ્ટેશન ગરનાળા તરફથી કિરણ હોસ્પિટલ જવા નીકળેલી BRTS બસમાં બેઠેલા યુવાને પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવી બસ કન્ડક્ટર સાથે દાદાગીરી કરી હતી. અમરોલી જવા માટે કન્ડક્ટર દરવાજા પાસે ઉભો રહીને પેસેન્જરોને બોલાવી રહ્યો હતો. આ દરમિયાન આ યુવક બસમાં ચડતાની સાથે કન્ડક્ટરનો કોલર જાલીને અહીં કેમ ઉભો છે કહી ધમકાવા લાગ્યો હતો.
'તું મને શું ભિખારી સમજે છે', 500-500 નોટના બન્ડલ બતાવતો યુવક
જ્યારે બસ કન્ડક્ટરે કોલર કેમ પકડે છે તેમ પુછતા, યુવકે દાદાગીરી કરીને રોફ જમાવ્યો હતો. આ ઉપરાંત પોતાની સાથે લાવેલી બેગમાંથી લાખો રુપિયાની 500-500 નોટના બન્ડલ બતાવી, "તું મને શું ભિખારી સમજે છે" કહી ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ કંટ્રોલરૂમમાં કન્ડક્ટરે જાણ કરી
આ સમગ્ર ઘટના મામલે કન્ડક્ટર દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરીને ઘટના વિશે માહિતી આપી હતી. તેવામાં યુવક સુમૂલ ડેરી પાસે જ ઊતરી જતો રહ્યો હતો. સિટી બસ એજન્સી દ્વારા ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કન્ડક્ટરે યુવક સાથે કોઈપણ પ્રકારે ગેરરીતિભર્યુ વર્તન કર્યુ નહોતુ અને કન્ડક્ટર દ્વારા કોઈપણ રીતે નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવ્યું ન હતુ. ઉપરાતં, ધારાસભ્યના પુત્રની ઓળખ આપનાર યુવકની હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ઘટના અંગે કોર્પોરેટરે આપ્યો ખુલાસો
સમગ્ર બબાલ વખતે યુવક પોતાના ફોનમાં બતાવતો ફોટો ધારાસભ્યની જગ્યાએ કોર્પોરેટરનો હોવાનો ખુલાસો થયો છે. બસ કંડકટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ ન હોવાનું બામરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલે ખુલાસો કર્યો હતો.