સુરતમાં પોલીસને હેરાન કરવા માટે યુવકે એવો કાંડ કર્યો કે જવું પડ્યું જેલ, ઉધના પોલીસે કરી ધરપકડ
Surat Fake Call : સુરતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી અશોક સિંહની ઉધના પોલીસે ધરપકડ કરી લીધી છે. બોમ્બની ધમકીનો કોલ કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેમણે પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યો હતો. જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે 11:55 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સુરતમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલ બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી. બોમ્બની ધમકી આપનાર આરોપીની ટેક્નિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરાઈ છે. આરોપી જ્વેલરી શોપમાં નોકરી કરે છે.
સુરતને બચાવું હોય તો બચાવી લો તેવી ધમકી આપવામાં આવી હતી : DCP
આરોપીની ધરપકડ બાદ DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં ફોન કરી 3 જગ્યાએ બોમ્બ મૂક્યા છે સુરતને બચાવું હોય તો બચાવી લો તેવી ધમકી આપવામાં આવી હતી. કાલે રાત્રે આ કોલ આવ્યો હતો. આ કોલ કરનાર આરોપીને શોધવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે માટે સ્થાનિક પોલીસ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ PCB અને ઉધના પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. આખરે આરોપીને સવાર સુધીમાં ઝડપી પાડ્યો હતો. આ આરોપીએ ફેક કોલ કર્યો હતો.
તેણે માત્ર પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યો હતો : DCP
વધુમાં DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ અશોક સિંહ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેણે માત્ર પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યો હતો. જો કે, આરોપી અશોક સાથે અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો ગુનાહીત ઇતિહાસ છે કે નહી તેની પણ તપાસવામાં આવી રહી છે. કોલ આવ્યાની સાથે જ આખી રાત તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ અમદાવાદ અને સુરતની સ્કૂલને પણ મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અગાઉ અમદાવાદની નવ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ આવ્યા હતા. મંગળવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થવાનું છે તેના ગણતરીના કલાકો અગાઉ બોમ્બની ધમકીને પગલે દોડતી થયેલી અમદાવાદ પોલીસે સધન ચેકીંગ હાથ ધર્યુ હતું. બીજી તરફ ધમકી ભર્યા મેઇલમાં સુરતની ફાઉન્ટેનહેડ સ્કૂલનો પણ ઉલ્લેખ હતો. જેથી અમદાવાદ પોલીસે સુરત પોલીસને જાણ કરતા દાંડી રોડના અંભેટા ગામ સ્થિત ફાઉન્ટેનહેડ સ્કૂલમાં તુરંત જ પાલ પોલીસ ઉપરાંત એસઓજીની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તુરંત જ ડોગ સ્કોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડની મદદ લઇ સ્કૂલમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. પરંતુ ત્રણેક કલાકની જહેમત બાદ પોલીસને એક પણ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી. આ મામલે પોલીસ તપાસ હજુ ચાલી રહી છે.
આ મેઈલ ક્યાથી આવ્યો અને કોણે મુક્યો હતો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇ-મેઈલની તપાસ દરમિયાન રશિયાની રાજધાની મોસ્કોનું IP એડ્રેસ મળ્યું હતું. ગુજરાત પોલીસ દિલ્હી પોલીસને સાથે રાખીને આ કેસમાં તપાસ શરુ કરી હતી તેમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે.