'રાજકીય ઈશારે મને બદનામ કરાઈ રહ્યો છે...', રહીશોની આત્મવિલોપનની ચીમકી બાદ કોર્પોરેટરે આપ્યો જવાબ
Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનના ભાજપના કોર્પોરેટર પર પોતાના કાકાના ગેરકાયદે બાંધકામને છાવરી ફરિયાદીઓને ધમકી આપવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. ભાજપના કોર્પોરેટરના સગાના ગેરકાયદે બાંધકામ દુર ન થાય તો આત્મવિલોપનની ચીમકી બાદ કોર્પોરેટરો તેમને રાજકીય રીતે બદનામ કરવામાં આવતા હોવાનો સામો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ પાલિકાની અનામત જગ્યા પર કબજો માટે અવાજ ઉઠાવ્યો એટલે રાજકીય રીતે બદનામ કરવામાં આવે છે તેવો વળતો આક્ષેપ કર્યો છે.
સુરતના કતારગામ ઝોનના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સામે ગઈકાલે શ્રીકુંજ સોસાયટીના રહીશોએ મોરચો લાવ્યા હતા. મોરચામાં ફરિયાદ કરનારાઓએ નરેન્દ્ર પાંડવ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ફરિયાદીઓએ કહ્યું હતું કે, ગોપાલ દર્શન સોસાયટીમાં રહેતા કોર્પોરેટરના કાકાભાઈ રોહિત ઠાકરશી પાંડવ દ્વારા અમારી સોસાયટીની દિવાલને અડોઅડ ભયજનક જાનહાનિ થાય તેવું તદ્દન ગેરકાયદેસર બાંધકામ કરવામા આવી રહ્યું છે. જો પાલિકા તંત્ર કામગીરી કરવાનું ન હોય તો અમને સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
ત્યારબાદ આજે નરેન્દ્ર પાંડવે સોસાયટીના લોકો સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે શ્રીકુંજ સોસાયટીના રહીશો રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યાં છે. અને હું બાંધકામ સ્થળ પર ગયો નથી અને મેં ગેરકાયદે બાંધકામ અટકાવ્યું નથી તેમ છતાં મારા નામનો ખોટો ઉપયોગ કરવામા આવે છે. જો ગેરકાયદે બાંધકામ હોય તો તેઓ તોડી શકે છે.
તેઓએ પાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કતારગામ વિસ્તારમાં લાખો ચોરસ વાર જગ્યા પર ગેરકાયદે દબાણ છે તેના માટે મેં અવાજ ઉઠાવ્યો છે તેના કારણે મારી વિરુદ્ધ રજૂઆત થઈ રહી હોય તેવું લાગે છે. આ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 24 અને ટીપી સ્કીમ નંબર 25માં અનેક પ્લોટ પર રિર્ઝેશન છે અને તેમાં હોટલ ચાલી રહી છે તેની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેને સીલ કરવામાં આવતું નથી. આ ઉપરાંત પાલિકાના ગાર્ડનની જગ્યામાં પણ અન્ય લોકો કબજો કરીને બેઠા છે તેને પાલિકા તંત્ર ખાલી કરાવતું નથી આ અંગે મેં રજૂઆત કરી છે. જોકે, આ કબ્જા કોણે કર્યા છે તે ખબર ન હોવાની વાત પાંડવે કરી છે. પાંડવ લોકોએ રિઝર્વેશનમાં બાંધકામ કર્યા છે તેની ફરિયાદ કરે છે પરંતુ નામજોગ કોઈની ફરિયાદ કરતા નથી. કોર્પોરેટર ફરિયાદ કરે છે પરંતુ તે અધુરી હોવાથી તેમની ફરિયાદ સામે પણ અનેક શંકા થઈ રહી છે.