સુરત APMC વાર્ષિક રૃા.43.55 કરોડની આવક સાથે રાજ્યમાં પ્રથમ
- 262 એપીએમસી પૈકી ઉંઝા રૃા.43.34 કરોડ આવક સાથે બીજા, રાજકોટ રૃા.36.91 કરોડ સાથે ત્રીજા ક્રમે
સુરત
સમ્રગ રાજયની એપીએમસીની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની આવકના આંકડા જોતા રાજયની ૨૬૨ એપીએમસીમાંથી સુરત એપીએમસી ૪૩. ૫૫ કરોડની આવક સાથે સમ્રગ રાજયમાં ફસ્ટ નંબરે છે.
સહારા દરવાજા સ્થિત એપીએમસીમાં સમ્રગ દેશના વિવિધ રાજયોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. અને આ શાકભાજી સુરત શહેરની ૭૦ લાખની વસ્તી ની સાથે જ આજુબાજુના તાલુકા, ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે. ત્યારે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સુરત એપીએમસી દ્વારા શાકભાજી, તેમજ અન્ય પ્રોડકટના વેચાણ મળીને કુલ આવક ૪૩. ૫૫ કરોડ થઇ હતી. એપીએમસીની આ વર્ષની વાર્ષિક આવકમાં ૨૦ ટકાનો જંગી વધારો થયો છે. દરમ્યાન ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ દ્વારા રાજયની તમામ એપીએમસીના વાર્ષિક ટોપ ટેન એપીએમસીની આવકના આંકડા જાહેર થયા હતા. જેમાં સુરત એપીએમસીની ૪૩. ૫૫ કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે. જયારે ઉંઝા ૪૩.૩૪ કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે. રાજકોટ એપીએમસી ૩૬.૯૧ કરોડ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યુ છે.