Get The App

સુરતના 'તીસ માર ખાન': સ્કૉર્પિયોની છત પર ચઢી કાયદાના લીરેલીરા ઉડાવ્યા, પોલીસને ખુલ્લી ચેલેન્જ

Updated: Mar 13th, 2025


Google News
Google News
સુરતના 'તીસ માર ખાન': સ્કૉર્પિયોની છત પર ચઢી કાયદાના લીરેલીરા ઉડાવ્યા, પોલીસને ખુલ્લી ચેલેન્જ 1 - image


Surat Crime: ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થવાના ચક્કરમાં જાણે યુવાનો કાયદો અને વ્યવસ્થા ભાન ભૂલી રહ્યાં છે. અવાર-નવાર એવા કિસ્સા સામે આવે છે જેમાં તલવારો લઈને લુખ્ખા તત્વો ગામ માથે લે છે, તો ક્યાંક ગાડીઓ પર સ્ટંટ કરે છે. પરંતુ હવે તો જાણે લોકોને પોલીસ અને કાયદા-વ્યવસ્થાની કંઈ પડી જ નથી. આજે અમદાવાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનની સામે ખુલ્લી તલવાર સાથે પોલીસને લલકારતો વીડિયો વાઈરલ થયો હતો. આવો જ એક વીડિયો સુરતમાંથી વાઈરલ થયો છે. જ્યાં અજાણ્યા શખસોનું ટોળું ખુલ્લી જીપમાં રોડ વચ્ચે ધતિંગ કરી રહ્યા છે. આ સાથે પોલીસને ખુલ્લેઆમ લલકારી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસને તલવાર વડે ધમકાવતો અને હપ્તા વસૂલીનો આરોપ મૂકતો યુવક પકડાયો

શું છે સમગ્ર ઘટના?

સુરતમાં નબીરાઓના એક ટોળાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં GJ 05 RV 9841 કારમાં અજાણ્યા શખસો ભેગા થઈને પોલીસને ગાળો આપી રહ્યા છે. આ સાથે પોતાના ચહેરાને કાળા રંગે રંગી રસ્તા વચ્ચે ધતિંગ કરતાં પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. વીડિયોમાં નબીરાઓ સ્કોર્પિયો પર બેસીને ફરી રહ્યાં છે અને બેફામ ગાડી હંકારી રહ્યાં છે. મોઢા પર કાળો કલર કરી પોલીસને ગાળો આપી લલકારી રહ્યા છે કે, હવે ઓળખો અને પકડી બતાવો.

આ પણ વાંચોઃ અમદાવાદ મનપાનો મહત્ત્વનો નિર્ણયઃ હોળી-ધુળેટીએ રિવરફ્રન્ટ ગાર્ડન અને ધુળેટીએ અટલ બ્રિજ સાંજ સુધી બંધ

પોલીસની કામગીરી પર ગંભીર સવાલ

વારંવાર બનતી આવી ઘટનાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઊભા કરે છે. જ્યારે પણ આવો વીડિયો વાઈરલ થાય છે, ત્યારે પોલીસ આવા નબીરાઓને પકડીને સરઘસ કાઢે છે અને સોશિયલ મીડિયા પર BEFORE, AFTER ના વીડિયો બનાવે છે. પરંતુ, આવી ઘટના જ ન બને તે માટે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. પોલીસને લલકારવાની આવી તાકાત થવી એ પોલીસની કામગીરી પર મોટા પ્રશ્ન ઊભા કરે છે. આવા વીડિયો દર્શાવે છે કે, પોલીસ રાજ્યની જનતામાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. 


Tags :
Surat-NewsSurat-Antisocial-elementsGujarat-NewsCrime-NewsSurat-Crime

Google News
Google News