સુરતમાં 50 મુસાફરોને લઈ જતી બસ અને ડમ્પર વચ્ચે ભયંકર ટક્કર, 15 ઈજાગ્રસ્તમાંથી 1નું મોત
Surat Accident | સુરતના હજીરા વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બેફામ દોડતા ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એએમએનએસ દ્વારા સંચાલિત બસમાં કુલ 50 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 15 જેટલા કર્મચારીઓને ગંભીર ઈજા થઇ છે. જ્યારે સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
15 લોકો ઈજાગ્રસ્ત, 1નું મોત
બસ અને ડમ્પર વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનો પલટી ગયા હતા જેના લીધે ઘણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જોકે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું.
8 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડાયા
માહિતી અનુસાર અકસ્માતની જાણ થતાં જ આઠ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું કે આ અકસ્માતમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હતી જે છેવટે મૃત્યુ પામી ગયો હતો. આ બસ એક ખાનગી કંપનીની હતી અને તેમાં ખાનગી કંપનીના કર્મચારીઓ જ મુસાફરી કરી રહ્યા હતા.