સુરતના માંડવી નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના મોત, 5ને ઇજા
Accident Near Mandvi : સુરતના માંડવી નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાત્રે શ્રમિકોને લઇને જઇ રહેલી બોલરો પીકવાન જઇ રહી હતી ત્યારે સામેથી આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 શ્રમિકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ડેડબોડીને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઇવરોની તપાસ કરવામાં આવશે. જો કોઇ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યું હોવાનું સાબિત થશે તો તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવશે.