સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક
Supreme Court On 'Urs' Festival Application : સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. ત્યારબાદ ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે દાદ માગી હતી. જો કે, રાજ્ય સરકારે અરજીનો સખત વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામો પર આગામી 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સરકારની જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી
રાજ્યના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીનો પર બનેલા મંદિરો સહિત તમામ અનઅધિકૃત બાંધકામો પરના દબાણો દૂર કરાયા હતા. જો કે, આ જગ્યા સરકારની છે અને અહીં કોઈ પ્રકારે ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નોંધ લીધી હતી.
ઉર્સની ઉજવણીની અરજીને ફગાવામાં આવી
સમગ્ર મામલે રાજ્ય સરકાર વતી મહેતાએ જણાવ્યું કે, 'અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક સમારોહ સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી ન હતી.' જ્યારે અરજદારના વકીલે કહ્યું કે, 'તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલી જગ્યા પર દરગાહ હતી, જ્યાં વર્ષોથી ઉર્સની ઉજવણીની પરંપરા ચાલી આવે છે.'
બીજી તરફ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, 'ચાલી રહેલા કેસની સુનાવણી પહેલા ઉર્સની ઉજવણી માટે કરવામાં આવેલી અરજીને સ્વીકારી શકાય નહીં. આમ અરજીને ફગાવાઈ.'
રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સોમનાથ મંદિરની આસપાસની કથિત ગેરકાયદેસરના બાંધકામ પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. આ પછી 1 ઑક્ટોબરે પટણી મુસ્લિમ સોસાયટીએ માંગરોળ શાહ, બાબા દરગાહ, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સહિતના સ્થળોએ બનાવેલા બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યો હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ પર અવમાન હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.