મોરબી પુલ દુર્ઘટના: એક વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
પોલીસે ફરિયાદ દાખલ કરીને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી
આ કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી
Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. તેમણે હાઇકોર્ટે અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાના કારણે 135 લોકોના મૃત્યુ થયા હતા, જે બાદ જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. મોરબીના પુલ દુર્ઘટના કેસ જયસુખ પટેલ 400 દિવસથી જેલવાસ ભોગવી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા
મોરબીમાં બે વર્ષ પહેલા 2022ની 30 ઓક્ટોબરની સાંજે ઝુલતો પુલ અચાનક જ તુટી ગયો હતો જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ મુખ્ય આરોપી જયસુખ પટેલ ઘણા દિવસો ફરાર રહ્યો હતો. જો કે જયસુખ પટેલે પહેલી ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલ 400 દિવસથી જેલવાસ ભોગવી રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે.
અગાઉ જયસુખ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી
અગાઉ જયસુખ પટેલને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. તેમણે નિયમિત જામીન આપવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે અરજીને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. ઓરેવાના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે તેમને યોગ્ય શરત પર નિયમિત જામીન અરજી આપવામાં આવે. હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પગલે જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડ્યું હતું. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.