સોમનાથમાં મેગા ડિમોલેશન રોકવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- 'સરકાર પાસે રહેશે જમીન'
Supreme Court On Somnath Demolition Case : ગુજરાતના ગીર સોમનાથમાં ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માગ કરવામાં આવી હતી. તેના પર જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ગુજરાત સરકારે શુક્રવારે (25 ઑક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, તે જમીન તેમની પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.
જમીનનો કબજો સરકાર પાસે રહેશે
બેન્ચે કહ્યું કે, 'સોલિસિટર જનરલે કહ્યું છે કે, આગળના આદેશો સુધી સંબંધિત જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આ દરમિયાન કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી. બેન્ચ ગુજરાત હાઈકોર્ટના એ આદેશ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં મુસ્લિમ ધાર્મિક માળખાને તોડી પાડવા પર યથાસ્થિતિનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જેમાં વચગાળાના સ્ટે હોવા છતાં અને પૂર્વ પરવાનગી વિના રાજ્યમાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવા બદલ ગુજરાત સત્તાધીશો વિરુદ્ધ કોર્ટના આદેશના ઉલ્લંઘનની અરજી પર પણ સર્વોચ્ચ અદાલત વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો : સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી શરૂ, ચોમાસામાં શો રખાય છે બંધ
બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ
અરજીમાં સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના કથિત ઉલ્લંઘન બદલ રાજ્યના અધિકારીઓ સામે કોર્ટના આદેશના ઉલ્લંઘની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. વરિષ્ઠ સલાહકાર હુઝૈફા અહમદી એક અન્ય વાદી તરફથી હાજર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદેસર વકફ જમીન પર સ્થિત બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહમદીએ સરકાર દ્વારા કોઈ ત્રીજા પક્ષને જમીન ફાળવણી પર પોતાના અસીલની આશંકા વ્યક્ત અને યથાસ્થિતિ આદેશની માગ કરી. જેના પર એસજી તુષાર મહેતાએ જમીનને સરકાર પાસે રહેવાની વાત કરી.
લિયા-એ-દીન સમિતિએ યથાસ્થિતિ જાળવી રાખવાની માગ
ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જરલ તુષાર મહેતાએ કોર્ટને આશ્વાસન આપ્યું કે, ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરવામાં આવેલી જમીન સરકાર પાસે રહેશે અને આગળના આદેશ સુધી ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. ત્યારબાદ બેન્ચે કહ્યું કે, આ સ્થિતિમાં અમે કોઈ વચગાળાનો આદેશ પસાર કરવાની જરૂરી સમજતા નથી. ગુજરાત હાઈકોર્ટના 3 ઑક્ટોબરના નિર્ણય સામે ઔલિયા-એ-દીન સમિતિએ યથાસ્થિતિ જાળવી રાખવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો : 'હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું', વિવાદ વકરતા રાજભા ગઢવીએ માગી માફી
ઓલિયા-એ-દિન સમિતિ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી અને ડિમોલિશનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે, જમીનને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે, તે 1903ની છે અને તે સમિતિના નામે નોંધાયેલી છે. સિબ્બલે કહ્યું કે, જમીનના કાયદાકીય અને ઐતિહાસિક દરજ્જાને માન આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી રહી છે. આ અંગે એસજી તુષાર મહેતાએ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં વિવાદિત જમીન સોમનાથ ટ્રસ્ટના કબજામાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એસજીએ કહ્યું કે, અરજદારના દાવાઓ ભ્રામક છે અને સરકાર પાસે ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો અધિકાર છે.
ગેરકાયદેસર નિર્માણ સામે કાર્યવાહી
ગુજરાત સરકાર પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ ગેરકાયદેસર નિર્માણને તોડી પાડવાનું અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 57 એકર વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણમાં તોડી પાડવામાં આવી રહ્યું છે. જે ગેરકાયદેસર નિર્માણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાં મુસ્લિમ સંપ્રદાયના ઘણાં ધાર્મિક સ્થળ અને આવાસ પણ છે. ગુજરાત સરકારનું કહેવું છે કે, ગેરકાયદેસર નિર્માણ દરિયા કિનારાની નજીક છે અને ગેરકાયદેસર છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે પહેલી ઓક્ટોબરે પોતાના આદેશમાં બુલડોઝર એક્શન પર રોક લગાવી દીધી હતી. જોકે, કોર્ટે ગેરકાયદેસર નિર્માણ પર કાર્યવાહી શરૂ રાખવાની મંજૂરી આપી હતી.