Get The App

વિવિધ સમાજનું માલધારીઓને સમર્થન, દશેરાના દિવસે 4 સમુદાય સરકાર સામે આવશે

Updated: Sep 18th, 2022


Google NewsGoogle News
વિવિધ સમાજનું માલધારીઓને સમર્થન, દશેરાના દિવસે 4 સમુદાય સરકાર સામે આવશે 1 - image


-  જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી હું મોઢામાં દૂધ નહીં મુકું: નવઘણજી ઠાકોર

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર 

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ખૂબ ગરમાઈ રહ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ મામલે માલધારી સમાજે પણ એક વેદના રેલીના આયોજન દ્વારા તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ અનુભવવી પડે છે તે વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે, હવે આ અંગે રાજકારણ વધારે ગરમાઈ રહ્યું છે અને માલધારી સમાજે આજે  અમદાવાદના શેરથા ખાતે વેદના સંમેલનનું આયોજન કર્યું હતુ.

જોકે સંમેલનના નામે તેમણે સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યું છે. આ સંમેલનમાં રાજ્યભરમાંથી માલધારી સમાજના સાધુ-સંતો અને ભુવાઓ હાજર રહ્યા છે. માલધારી સમાજ દ્વારા ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે, ગૌચરોની જમીન પરત કરવામાં આવે, આ ઉપરાંત ઢોરવાડા માલધારીઓના ઘર નજીક બનાવી આપવામાં આવે તેવી માગણીઓ મામલે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  

ત્યારે હવે આ લડતમાં માલધારીઓને વિવિધ સમાજે સમર્થન આપ્યું છે. ક્ષત્રિય ઠાકોર સહિત અનેક સમાજે માલધારીઓને સમર્થનની જાહેરાત કરી છે.  વિવિધ સમાજોએ તેમને લેખિતમાં સમર્થન આપ્યું છે.  ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે માલધારીઓને સનમર્થન આપતા નિવેદન આપ્યું કે, જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી હું મોઢામાં દૂધ નહીં મુકું. વધુમાં તેમણે જણાવ્યું કે, દશેરાના દિવસે રાજપુત સમાજ ની તલવાર માલધારી સમાજ ની લાકડી આદિવાસીનું તિર કામઠું અને દલિતનું બંધારણ ચારેય એકસાથે રહીને સરકારને ભોંય ભેગી કરશે. તેમણે કહ્યું કે, ગુજરાતની ગાડી પર માલધારી સમાજને બેસાડવો છે.

વધુ વાંચો: સરકારની ખાલી વાતો, માલધારીઓ લડતના માર્ગે

રાજકોટ માલધારી સમાજના આગેવાન મનીષભાઈ નાગોરે જણાવ્યું કે, આ લડત માટે રબારી, ભરવાડ, ગઢવી અને આહીર એમ ચારેય સમાજે એક થવું પડશે. જો આ ચારેય સમાજ એક થયો તો આવનારી ચૂંટણીમાં મુખ્યમંત્રી આપણા હશે. તેમણે કહ્યું કે, રાજકોટના રસ્તા પર ચક્કાજામ કરીશું અને એક પણ વાહનને આગળ નહીં જવા દઈશું. રાજકોટના રસ્તાઓ પરથી એક પણ નેતાઓને નીકળવા નહીં દઈશું. 


Google NewsGoogle News