મહીસાગરમાં અંધશ્રદ્ધાએ મહિલાનો જીવ લીધો, ભુવાએ આપેલું પાણી પીતાં બેભાન થઇ હતી
Mahisagar Superstition Case : રાજ્યમાં સતત વધી રહેલા અંધશ્રદ્ધાના બનાવોને ડામવા માટે રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે. પરંતુ તેમછતાં હજુ આંતરિયાળ વિસ્તારોમાં ક્યારે ડાકણ હોવાનો વહેમ રાખી ભુવા પાસે વિધિ કરાવવા પહોંચી જતા હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવવાની નોબત આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિસાગરના મોટા ખાનપુરમાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાત જાણે એમ છે કે પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા. માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં પરણિતાની તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ
પરણિતાની હાલ વધુ ખરાબ થતાં તેને સારવાર અર્થે પહેલાં મોડાસા લઇ જવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા અને પછી અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે પરણિતાનો જીવ બચી શક્યો ન હતો અને પરણિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
અંધશ્રદ્ધા ફેલાવનારાને સાત વર્ષ સુધીની કેદ, જામીન પણ નહીં
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ મુજબ અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. જો કે, આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાના અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં તે 7મું રાજ્ય બનશે.
આ પણ વાંચો: સુરતમાં 10 મણની વ્યક્તિએ હાથની નસ કાપી, હોસ્પિટલ લઈ જવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી