ઝૂલતાપૂલ કાંડમાં મોરબી સુધરાઈની જેમ રાજકોટ મનપા અગ્નિકાંડમાં સુપરસીડ કરો
2 દિવસ પછી અગ્નિકાંડને 2 માસ પૂરા, મોટાં માથાં સુધી તપાસ ન પહોંચી : મ્યુનિ. કમિશનર પાસે ધસી જઈ રજૂઆત: પીડિતો પરિવારો હજુ પણ ન્યાયથી વંચિત : મુખ્ય જવાબદાર પદાધિકારીઓને છાવર્યા છે
રાજકોટ, : બે દિવસ પછી તા. 25 જૂલાઈએ રાજકોટમાં ગુજરાતના ઈતિહાસના સૌથી ભયાનક અને ગમખ્વાર માનવસર્જિત ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડને બે માસ પૂરા થઈ રહ્યા છે અને હજુ સુધી સરકારની,રાજકોટ પોલીસની સિટ કે સત્યશોધક સમિતિની તપાસ મોટા માથાઓ સુધી પહોંચી નથી ત્યારે આજે મોરબીના ઝૂલતાપૂલ કાંડમાં જે રીતે મોરબી સુધરાઈને સુપરસીડ કરવામાં આવી હતી તેમ રાજકોટ મનપાની અગ્નિકાંડમાં દેખીતી પૂરી જવાબદારી ખુલી છે ત્યારે મહાપાલિકાને સુપરસીડ કરવા આજે કોંગ્રેસે રજૂઆત કરી હતી.
કાર્યકરો,નેતાઓ આજે મ્યુનિ.કમિશનર પાસે ધસી ગયા હતા અને શહેરી વિકાસ સચિવને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે તા. 25-5-2024ના અગ્નિકાંડમાં 27 નિર્દોષ નાગરિકો જીવતા ભુંજાઈને ભડથું થઈ ગયા હતા, એકપણ મૃતદેહ પણ જોઈને ઓળખી શકાયો ન્હોતો એટલી હદે સળગી ગયા હતા તેમાં મૃતકોના પરિવારોને આજ સુધી ન્યાય મળ્યો નથી. ઉચ્ચ અધિકારીઓની માત્ર બદલી,સસ્પેન્ડની કાર્યવાહી થઈ છે અને માત્ર મહાપાલિકાના જ 8 અધિકારીઓની ધરપકડ થઈ છે. પરંતુ, પદાધિકારીઓની સ્પષ્ટ રીતે આ અગ્નિકાંડમાં સ્પષ્ટ જવાબદારી હોવા છતાં આજ સુધી પગલા લેવાયા નથી ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને સુપરસીડ કરવા માંગણી કરાઈ હતી.
અગાઉ ગુનાહિત બેદરકારીથી મોરબી ઝૂલતા પૂલ ધસી પડવાની ઘટનામાં મોરબી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યોને ઘરે બેસાડી દેવાયા હતા ત્યારે રાજકોટ મહાપાલિકાની તો અગ્નિકાંડમાં સંડોવણી સાથે કરોડોના ભ્રષ્ટાચાર પણ ખુલ્યા છે છતાં સરકારે સુપરસીડ નથી કરી. મનપાના વાર્ષિક બજેટ કરતા વધુ રકમનો ભ્રષ્ટાચાર આચરાય છે. જો સરકાર હજુ પગલા નહીં લે તો આ અંગે હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરાશે તેમ જણાવાયુ છે.