વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોનો કાલથી ગ્રીષ્મોત્સવ : પાંચ દિવસ સુધી 900 વિદ્યાર્થીઓ જુદી-જુદી રમતો રમશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમત ક્ષેત્રમાં રુચિ વધે, સાહસિકતા અને લીડરશીપ જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ગ્રીષ્મોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. તા.27 ની સાંજે સાંજે 5.45 વાગે શિક્ષણ સમિતિની મુખ્ય ઓફીસ ગોવિંદ રાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવશે. આ કેમ્પ તા.27 થી તા.2 સુધી પાંચ દિવસ ચાલશે. તારીખ 29 મીએ રજા રહેશે.
ટ્રસ્ટના પ્રમુખ અને સમિતિના સભ્યના જણાવ્યા મુજબ 2022માં સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા. એ પછી સંખ્યા સતત વધતી રહી છે. આ વખતે 900 વિદ્યાર્થીઓ કબડ્ડી, બેડમિન્ટન, લંગડી, જુડો, ચેસ, સતોડિયું, કેરમ, દોડ, યોગા અને રસ્સા ખેંચમાં ભાગ લઈ રહ્યા છે. 900 વિદ્યાર્થીઓમાંથી શિક્ષણ સમિતિની 16 શાળાના આશરે 92 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે બીજા વિદ્યાર્થીઓ દસેક ખાનગી શાળાના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમર કેમ્પ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને સ્પર્ધાત્મક વૃતિ અને શારીરિક સૌષ્ઠવ પ્રાપ્ત કરે છે. રમતગમતનું કૌશલ્ય પ્રાપ્ત કરે છે. મોબાઇલમાં સતત વ્યસ્ત રહેવાની વૃત્તિમાંથી બહાર આવે છે. ખેલશે તે ખીલશે. વિદ્યાર્થીઓને વ્યાયામના અને સમિતિના શિક્ષકો દ્વારા રમતગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે. કોઈ વિદ્યાર્થીમાં રમતની રુચિ હોય અને તો તે આવા પ્રયાસ દ્વારા ખીલી ઊઠે છે અને આગળ વધી શકે છે. મધ્યવર્તી શાળા તથા શિક્ષણ સમિતિની શ્રી ડોંગરે મહારાજ શાળા ખાતે રમત ગમતો રમાડવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા ગત ડિસેમ્બરમાં બાળ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 3600 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો.