વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં પાણીની લાઈનમાં અચાનક ભંગાણ : પાંચ થી છ ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો
Vadodara : વડોદરા શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાંચથી સાત ફૂટ ઊંચો ફુવારો અડધો કલાક સુધી ઉડતો રહ્યો હતો જેને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો એટલું જ નહીં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. કોઇ પણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીછમાં પાણીની લાઇમાં ભંગાણ સર્જાતા ફુવારો સર્જાયો હતો. જેને પગલે હજારો લિટર પાણીનું વેડફાઇ ચુક્યું છે. અગાઉ પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું. આમ, વિતેલા એક સપ્તાહમાં બે વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.
પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરીની પોલ અવાર-નવાર ખુલ્લી પડતી જ રહે છે. ત્યારે વધુ એક વખત પાલિકાના પાણીની લાઇન નાંખતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે. શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારો ઉડ્યો હતો. અચાનક ફુવારો સર્જાતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પરંતુ તેનો ઉકેલ લાવવાવાળું કોઇ નથી. આ જોઇને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી રહી છે.
પાણીના ફુવારા પાસે કોઇ પણ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું નથી. તેમ છતાં અચાનક પાણીનો ફુવારો સર્જાતા લોકોના આશ્ચર્યમાં ઉમેરો થવા પામ્યો છે. આ સાથે જ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ છે. જેનું આજદિન સુધી કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હવે સ્થાનિકોને નડતા મહત્વના પ્રશ્ને કેટલા સમયમાં કામગીરી થાય છે તે જોવું રહ્યું. વેપારીએ જણાવ્યું કે, આ સમસ્યા જુની છે. જે અંગે વોર્ડ નં 7 ની ઓફિસમાં રજુઆત કરવા ગયા તો એન્જિનીયર રજા પર છે તેવો જ જવાબ મળે છે.