સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત્ : વધુ ત્રણ યુવાનના મોત
- પીપલોદમાં 26 વર્ષનો ,રાંદેરમાં 45 વર્ષનો અને પાંડેસરામાં 42વર્ષના યુવાનની તબિયત લથડી અને તરત જ મોત થયા
સુરત :
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. પીપલોદમાં ૨૬ વર્ષનો યુવાન, રિક્ષામાં આવતી વખતે રાંદેરના ૪૫ વર્ષના આધેડ અને પાંડેસરામાં ૪૨ વર્ષના યુવાનની અચાનક તબિયત બગડયા બાદ મોત થયું હતુ.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પીપલોદ કારગીલ ચોક ખાતે ઇન્દ્રલોક રેસીડન્સીમાં રહેતો ૨૬ વર્ષનો સિધ્ધાર્થ સંજય પિલ્લે શનિવારે રાતે ઘરમાં અચાનક તબિયત લથડતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે નવી સિવિલ ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ મુંબઇના પાલઘરનો વતની હતો. તે રોજી રોટી માટે સુરત આવ્યો હતો અને તે એપ્લીકેશન વેબસાઇટનો કોર્સ કરી નોકરી કરવાનો હતો. તેને એટેક આવ્યો હોવાની શક્યતા છે.
બીજા બનાવમાં રાંદેર ઝઘડીયા ચોકડી પાસે શિવજીનગરમાં રહેતા ૪૫ વર્ષના રામઆશિષ લાલભાઇ નિશાદ શનિવારે રાતે અબ્રામા રોડ ગોકુલધામમાં કલર કામ કરીને રીક્ષામાં ઘરે આવવા નીકળ્યા હતા, તે સમયે અબ્રામા રોડ પર તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં પાંડેસરા શાસ્ત્રીનગરમાં રહેતો ૪૨ વર્ષનો સિતારામ દુરવિજય યાદવને શનિવારે સાંજે ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેની હાલત ગંભીર થતા ઢળી પડતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે ઉતરપ્રદેશનો વતની હતો. પાંડેસરાની મીલમાં નોકરી કરતો હતો.