મોટા વરાછામાં 24 વર્ષીય મહિલા હોમગાર્ડ સહિત બેના અચાનક મોત
- જીનલ રાવલીયાને ગભરામણ બાદ ઉલટી થઇ : પુણામાં ૪૯ વર્ષના હીરા વેપારી ઘરમાં બેભાન થઇ ગયા
સુરત,:
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે મોટા વરાછામાં ગભરામણ અને ઉલટી થયા બાદ ૨૪ વર્ષીય મહિલા હોમગાર્ડ અને પુણાગામમાંં ૪૯ વર્ષીય હીરા વેપારીની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ નાના વરાછામાં રાવલ ફળિયામાં રહેતી ૨૫ વર્ષીય જીનલ પંકજભાઇ રાવલીયા ગત તા.૧૧મીએ બપોરે ઘરમાં અચાનક ગભરામણ થયા બાદ ઉલ્ટી થઇ હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન ગત સવારે તેનું મોત નીંપજયું હતું. જયારે તે હોમર્ગાડમાં ફરજ બજાવતી હતી.
બીજા બનાવમાં પુણાગામમાં કિરણચોક ખાતે સત્યમ રેસીડન્સીમાં રહેતા ૪૯ વર્ષીય અશ્વિનભાઇ લક્ષ્મણભાઇ રંગાણી શુક્રવારે રાતે ઘરમાં અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે અશ્વિનભાઇ મુળ અમરેલીના વતની હતા. તેમને બે સંતાન છે. તે હીરા ધંધા સાથે સંકળાયેલા હતા.