સુરતમાં 22 વર્ષના રત્નકલાકાર અને 38 વર્ષના યુવાનનું એકાએક મોત
- સરથાણામાં બિમાર યુવાન અચાનક જ ઢળી પડયો અને પરવત ગામમાં ચક્કર આવતા પડી જતા યુવાનનું મોત
સુરત,:
સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. તેવા સમયે સરથાણામાં ૨૨ વર્ષના રત્નકલાકાર અને પરવત ગામમાં ૩૮ વર્ષના યુવાનની અચાનક તબિયત લથડતાં બેભાન થયા બાદ મોતને ભેટયા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણા પુરસોત્તમ નગરમાં રહેતો ૨૨ વર્ષનો જય રમેશ બરવાડીયા કેટલાક દિવસથી બિમારીથી પીડાતો હતો. દરમિયાન ગત રાતે તે ઘરમાં જ ઢળી પડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ રાજકોટનો વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો.
બીજા બનાવમાં ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતો ૩૮ વર્ષના ચિતામણી ઇશ્વરભાઇ પસરતે શનિવારે સવારે પરવત ગામમાં આરોગ્ય કેન્દ્ર પાસે પગપાળો પસાર થતો હતો. તે વેળાએ તેને એકાએક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. આ અંગે ૧૦૮ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ ધસી આવી હતી અને તેના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. તે મોચી કામ કરતો હતો.