વિદ્યાર્થીઓનું સ્કૂલો પર ચોકલેટ- ગુલાબ સાથે સ્વાગત, બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ,
વડોદરાઃ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો.ઠેર ઠેર વિદ્યાર્થીઓનું ઢોલ-નગારા અને બેન્ડના સૂરો સાથે, ગુલાબ, ચોકલેટો આપીને અને ગોળધાણા ખવડાવીને સ્વાગત કરાયું હતું.પહેલા દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નહોતો.
જોકે આજથી તાપમાનનો પારો ઉપર જતા બપોરની પાળીમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ગરમીમાં હેરાન થવાનો વારો આવ્યો હતો.પરીક્ષા કેન્દ્રો પર સવારે પરીક્ષા શરુ થતા પહેલા અને પરીક્ષા પૂરી થયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓના ટોળા જોવા મળ્યા હતા.
ધો.૧૦માં ૨૬૮૦૫ વિદ્યાર્થીઓએ ગુજરાતની પરીક્ષા આપી હતી.૧૦૪૪૬ વિદ્યાર્થીઓએ અંગ્રેજીની પરીક્ષા આપી હતી.જ્યારે ૨૭ વિદ્યાર્થીઓએ મરાઠી અને ૪૨ વિદ્યાર્થીઓએ સંસ્કૃતની પરીક્ષા આપી હતી.
ધો.૧૨માં ૬૪૦૭ વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી.ફિઝિક્સની પરીક્ષા આપનારામાં ૨૭૩૬ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના અને ૩૬૩૩ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના હતા.આમ સાયન્સમાં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે.જ્યારે ૧૫૬૪૬ વિદ્યાર્થીઓએ ઈકોનોમિક્સની પરીક્ષા આપી હતી.