VIDEO: NEET રિ-ટેસ્ટ મુદ્દે જનાક્રોશ, રાજકોટમાં ‘NO NEET’ના બેનરો સાથે વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવો
Image : IANS |
NEET-UG Row: NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને દેશભરમાં વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા લેવા માંગ કરી રહ્યા છે તો કેટલાક ફરીવાર પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે (23 જૂન) ગુજરાતના રાજકોટમાં પણ વિદ્યાર્થીઓએ ફરીથી ન યોજવા તે માટે દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ રસ્તા પર 'NO RE-NEET'ના બેનરો સાથે દેખાવ કર્યો હતો.
રાજકોટમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. અને હાથમાં બેનરો લઈને NEET-UG પરીક્ષાની ફરી પરીક્ષા લેવાના વિરોધમાં દેખાવ કર્યો હતો. આ દરમિયાન NEET-UGની ઉમેદવારે પલકે જણાવ્યું હતું કે, 'મેં NEET-UG પરીક્ષામાં 682 માર્ક્સ મેળવ્યા છે. બીજી NEET પરીક્ષા ન હોવી જોઈએ કારણ કે અમે સખત મહેનત કરીને આ માર્ક્સ મેળવ્યા છે. જે વિદ્યાર્થીઓએ 600 કરતા ઓછા માર્ક્સ મેળવ્યા છે, તેઓ ફરીથી NEET પરીક્ષાની માગ કરી રહ્યા છે. લગભગ દોઢ મહિનાના બ્રેક બાદ ફરી સારા માર્ક્સ મેળવવા તે સંભવ નથી. આ લોકો અમારા ભવિષ્યની સાથે રમત રમી રહ્યા છે.'
પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવ્યું
નોંધનીય છે કે NEET-UG 2024ની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મેના રોજ લેવામાં આવી હતી. જેનું પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ બાદ ગેરરીતિઓ અને પેપર લીકના આરોપો બાદ વિવાદ ઉભો થયો હતો. પરિણામ જાહેર થયા બાદ જાણવા મળ્યું હતું કે 67 વિદ્યાર્થીઓએ 720 માર્ક્સ સાથે પરીક્ષામાં ટોપ કર્યું છે. આ પછી, સુપ્રીમ કોર્ટે 1,500થી વધુ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષાની મંજૂરી આપી હતી, જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.
કેન્દ્રની કાર્યવાહી
આ દરમિયાન પરીક્ષા સ્થગિત કરવાને લઈને ઘણાં રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, કેન્દ્ર સરકારે કડક પગલાં લઈને NTAના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને હટાવ્યા હતા. તેમના સ્થાને પ્રદીપ સિંહ ખારોલાને NTAના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સરકારે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે.
આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં સીબીઆઈએ નોંધી પહેલી FIR