વીસીના રાજીનામા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરી, ઈન્ચાર્જ વીસીની નિમણૂક
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી વિવાદાસ્પદ ડો.વિજય શ્રીવાસ્તેવ રાજીનામુ આપ્યા બાદ વાઈસ ચાન્સેલરની લાયકાત સામે સવાલો ઉઠાવીને હાઈકોર્ટ સુધી પહોંચનારા પ્રો.સતીશ પાઠકે આજે એક વાતચીતમાં કહ્યું હતું કે, ડો.શ્રીવાસ્તવે પોતાની ઈચ્છાથી નહીં પરંતુ હાઈકોર્ટથી ડરીને રાજીનામુ આપ્યું છે.આટલી સરળતાથી તેમનું રાજીનામુ સ્વીકારી લેવાવું જોઈએ નહીં.તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.ડો.શ્રીવાસ્તવને ગેરલાયક ઠેરવીને તેમની પાસેથી પગારની રીકવરી કરવામાં આવે અને તેમણે જે પણ નિર્ણયો લીધા છે તેને રદબાતલ કરવામાં આવે.આ બાબતે હું મારા વકીલ સાથે ચર્ચા કરીને જે જરુર પડે તે કાર્યવાહી કરીશ.જેથી એક દાખલો બેસે અને સરકાર ફરી આવી નિમણૂક કરતા પહેલા બે વખત વિચારે.મારે ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી.એક અધ્યાપક તરીકે ડો.શ્રીવાસ્તવની કામગીરી અને યુનિવર્સિટીની થઈ રહેલી દુર્દશા જોઈને મારુ લોહી ઉકળતું હતું.હું માતૃસંસ્થાને બચાવવા માટે કોર્ટમાં ગયો હતો.મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી અને હું સરકાર વિરોધી પણ નથી.અંદરખાને મને યુનિવર્સિટીના તમામ અધ્યાપકોનું અને યુનિવર્સિટીનું હિત ઈચ્છનારાઓનું પીઠબળ હતું.
એનએસયુઆઈેએ ફટાકડા ફોડીને ઉજવણી કરી
ડો.શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યા બાદ યુનિવર્સિટી હેડ ઓફિસના પ્રાંગણમાં ફટાકડા ફોડીને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ ઉજવણી કરી હતી.કોઈ વાઈસ ચાન્સેલર રાજીનામુ આપે અને વિદ્યાર્થીઓ તેની ખુશી મનાવે તેવા દ્રશ્યો કદાચ આજે પહેલી વખત યુનિવર્સિટી હેડ ઓફિસમાં જોવા મળ્યા હતા.એનએસયુઆઈએ કહ્યું હતું કે, એક હથ્થુ શાસન કરનારની વિદાય થઈ છે.
વીસીના કાર્યકાળના વિવાદાસ્પદ નિર્ણયો
ડો.શ્રીવાસ્તવના વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ નિર્ણયોની એક પછી એક હારમાળા સર્જાઈ હતી.જેમ કે,
--વીસીના બંગલામાં અધધ..૫૦ લાખ રુપિયાનો ખર્ચ કરાયો
--૧૦૦ કરતા વધારે પીએચડી સ્ટુડન્ટસના થિસિસ દેખીતા કારણ વગર મહિનાઓ સુધી અટકાવી રખાયા
--પ્રોટોકોલના નામે સિક્યુરિટીને હેડ ઓફિસ કેન્દ્રીત બનાવી દેવાઈ, મજાકમાં એવુ કહેવાતું હતું કે, વીસીનો પ્રોટોકોલ મુખ્યમંત્રી કરતા પણ વધારે છે
--વર્ષોથી સાવ ટુંકા પગારમાં કામ કરતા હંગામી કર્મચારીઓનું રાતોરાત આઉટસોર્સિંગ
--અધ્યાપકો તો ઠીક છે પણ ડીનોની રજા મંજૂર કરવામાં પણ અખાડા
--કોમર્સમાં એફવાયની બેઠકો ઘટાડીને વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓને અન્યાય
--ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનુ વીસી બંગલે કરાતા સન્માનની પ્રશંસનીય પરંપરા પર રોક
ફરિયાદો છતાં આંખ આડા કાન કરનાર સરકારના ગાલ પર તમાચો
એમ. એસ. યુનિવસટીમાં લાયકાતના મુદ્દે વાઇસ ચાન્સેલરને રાજીનામું આપવુ પડયું હોય તેવી આ પહેલી ઘટના છે. યુનિવસટીની અધ્યાપક આલમ જ નહીં પણ રાજકીય વર્તુળોમાં પણ આજે આ મુદ્દો ચર્ચાની એરણે ચઢયો હતો. કારણકે શિક્ષણ મંત્રાલયના ખાસમખાસ ગણાતાં ડા. શ્રીવાસ્તવની સામે સંખ્યાબંધ ફરિયાદો પછી પણ સરકારે આંખ આડા કાન કર્યા હતા. ભવ્ય શૈક્ષણિક વારસો ધરાવતી એમ.એસ.યુનિવર્સિટીને સરકારે ડો.શ્રીવાસ્તવના હવાલે કરી દીધી હતી અને મનફાવે તેવા નિર્ણયો લેવાની છુટ આપી હતી.ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આડેધડ નિમણૂકો કરનારા સરકારના ગાલ પર હવે ડા. શ્રીવાસ્તવનું રાજીનામું એક સજ્જડ તમાચા સમાન છે.
એસ પી યુનિ.ના વીસીને પણ રાજીનામુ આપવું પડયું હતું
૨૦૧૯માં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી પ્રો.શિરિષ કુલકર્ણીને પણ અનુભવના મુદ્દે જ રાજીનામુ આપવુ પડયું હતું.પ્રોફેસર તરીકે તેમની પાસે ૧૦ વર્ષનો અનુભવ નહીં હોવાનું કારણ આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ હતી અને કોર્ટ તેમના વિરોધમાં ચુકાદો આવ્યો હતો.
રાજીનામુ આપવાથી આરોપમાંથી મુકત નથી થવાતું
શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ભરતસિંહ ચૌહાણનું કહેવું છે કે, રાજીનામુ આપવાથી ડો.શ્રીવાસ્તવ તેમના પર લાગેલા આરોપોમાંથી મુકત નથી થઈ જતા.પ્રો.પાઠકે જે આરોપો લગાવ્યા છે તે પૂરવાર ના થાય ત્યાં સુધી ડો.શ્રીવાસ્તવને મળનારા તમામ લાભ સરકાર રોકી રાખે અને પારદર્શક વહીવટ કરે છે તેવું પૂરવાર કરે.
ડો.શ્રીવાસ્તવને હટાવવા અધ્યાપક એક વર્ષથી યજ્ઞ કરતા હતા
આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટના અધ્યાપક કપિલ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ડો.શ્રીવાસ્તવને વીસી પદેથી હટાવવા માટે વિક્રમ બાગમાં આવેલા સંકટ મોચન હનુમાન મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી યજ્ઞા કરતો હતો.આજે ડો.શ્રીવાસ્તવે રાજીનામું આપતા મેં આ યજ્ઞાની પૂર્ણાહૂતિ કરીને લોકોમાંપ્રસાદ વહેંચ્યો હતો.મારી માગ છે કે, વ્યાજ સાથે પગારની વસુલાત કરવામાં આવે અને આરએસએસની શાખા ગુજરાત રાજ્ય ભારતીય શિક્ષણ મંડળના પ્રાંત પ્રમુખ પદેથી પણ ડો.શ્રીવાસ્તવને હટાવવામાં આવે.
વિદ્યાર્થી વિરોધી હોવાની છાપ ઉભી થઈ
ડો.શ્રીવાસ્તવની વિદ્યાર્થી વિરોધી વીસી તરીકેની છાપ ઉભી થઈ હતી.કારણકે તેઓ ફરિયાદો લઈને આવતા વિદ્યાર્થી સંગઠનોને ક્યારેય મળતા નહોતા.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી તેમણે બંધ કરાવી દીધી હતી.તેમના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીમાં યોજાતા વિદ્યાર્થીઓના યૂથ ફેસ્ટિવલ પણ બંધ થઈ ગયા હતા.હોસ્ટેલમાં ફરજિયાત મેસ ફીના મુદ્દે વાઈસ ચાન્સેલરના બંગલાના કમ્પાઉન્ડમાં દેખાવો કરનારા વિદ્યાર્થીઓ પર તેમણે પોલીસ ફરિયાદ કરાવી હતી.જેનો ભારે વિરોધ થયો હતો.
ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક
એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી ડો.વિજય શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યા બાદ હવે સરકારે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલની ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક કરી છે.પ્રો.પટેલનો ડીન તરીકેનો કાર્યકાળ પણ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે.તેઓ વીસી તરીકે રાજીનામુ આપનાર ડો.શ્રીવાસ્તવની કિચન કેબિનેટના સભ્ય ગણાય છે.
તેમની પાસે પહેલેથી ટેકનોલોજીના ડીન, પોલીટેકનિકના પ્રિન્સિપાલ, ઈન્ડિયન નોલેજ સેન્ટરના કો ઓર્ડિનેટર અને ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયેરકટરનો ચાર્જ છે ત્યારે તેમને ઈન્ચાર્જ વીસી પણ બનાવાયા છે.એવુ કહેવાય છે કે, યુનિવર્સિટી રજિસ્ટ્રાર દ્વારા એક માત્ર ધનેશ પટેલનું જ નામ મોકલવામાં આવ્યું હતું અને બાકીના સિનિયર પ્રોફેસરોની રજિસ્ટ્રારે બાદબાકી કરી નાંખી હતી.જેના કારણે પણ વિવાદ સર્જાયો છે.આમ રજિસ્ટ્રારે આજે કુલડીમાં ગોળ ભાંગ્યો હતો.બીજી તરફ વારંવાર પ્રયત્નો પછી પણ રજિસ્ટ્રાર દ્વારા આજે વીસીના રાજીનામા અને એ પછી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂક અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.